11/10 /22 જામકંડોરણા
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનો આત્મ વિશ્વાસ આજે બુલંદ છે. ગુજરાતના આંતરિયાળ એવા જામકંડોરણામાં પહેલીવાર કોઈ વડાપ્રધાન આવ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે.
લાખો લોકોની સભામાં તેમણે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા કહ્યું હતું કે, “ગુજરાત અને દેશની સરકારના વડા તરીકે કાર્યરત થયાને પોતાને ૨૧ વર્ષ થયા છે અને તેની શરૂઆત રાજકોટથી થઈ છે”. તેમણે કહ્યું હતું કે, કચ્છ-કાઠિયાવાડ અને રાજકોટની જનતાની ભાવનાઓ અને આકાંક્ષાઓને આદેશ માન્યા છે. એ આદેશોને પૂર્ણ કરવામાં પોતાની જાતને ખપાવી છે.
વડાપ્રધાન મોદીએ વિકાસની ગાથા વિશે વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે, બે દાયકાઓ પહેલાં ગુજરાત સૂકું ભઠ હતું, દરિયાઈ સીમાઓના વિસ્તાર વિકાસથી વંચિત હતો. જ્યારે આજે ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ આજે જન આંદોલન બની ગયું છે અને રાજકોટ શિક્ષણ હબ બન્યું છે. ગુજરાતના ગામડાના યુવાનો હવે માતૃભાષામાં મેડિકલ અને એન્જીનિયરિંગ ભણી શકશે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ ગુજરાતના ચમકતા સિતારાની જેમ છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં કોઈને કલ્પના પણ નહોતી પણ આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. આજે જમાનો આઈટીનો છે ત્યારે આ ક્ષેત્રમાં ૮૦૦થી વધુ નવા યુનિટ ઊભા કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતની પ્રજા પાણી, વીજળી , શિક્ષણ , રોજગારી સહિતના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી હતી. નરેન્દ્રભાઈએ આ પીડા સમજી પીવાના પાણીની સમસ્યા માટે નર્મદાના પાણીની સૌની યોજનાથી સૌરાષ્ટ્ર કચ્છ પહોંચાડી તરસ છીપાવી, ખેડૂતોને ૨૪કલાક વીજળી, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ યુવાઓને નવી દિશા પુરી પાડી છે. આ તકે મુખ્યમંત્રીએ ડબલ એન્જીનની સરકારે રાજકોટના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડી સમગ્ર સૌરાષ્ટ્રને વિકાસની દિશા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, લોક કલ્યાણકારી અનેક યોજનાઓના માધ્યમથી સરકાર આજે લોકો સુધી પહોંચી તમામ સવલતો પુરી પાડવા નિરંતર પ્રયાસો કરી રહી છે. કોરોનાકાળમાં પણ વડાપ્રધાનએ દેશના વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ રાખી ભરોસો મૂકીને દેશની જનતાને કોરાનાની રસી વિનામુલ્યે આપી છે.
જામકંડોરણા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલીપેડથી સભા સ્થળ સુધી લાલ જાજમ બિછાવી હતી. જેના પર ચાલતા ચાલતા નરેન્દ્રભાઈ મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે રહ્યા હતા. રસ્તામાં જામકંડોરણા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ ગરબા રજૂ કર્યા હતા તો મહિલાઓએ તિરંગા લહેરાવીને તો કન્યા છાત્રાલયની ૬૦૦ બાળાઓએ પરંપરાગત રીતે વડાપ્રધાનને ઉમળકાભેર આવકાર્યા હતા. સભા સ્થળે વડાપ્રધાનનું આગમન થતાં જ જંગી જનમેદનીએ ચિચિયારીઓ અને મોદી.. મોદી..ના નાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લાખો લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનના આગમન પૂર્વે લોક કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.
આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, વિનોદભાઈ ચાવડા, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, યુવા ભાજપના અગ્રણી પ્રશાંત કોરાટ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ભાજપ અગ્રણીઓ રક્ષાબેન બોળીયા, મનસુખભાઈ ખાચરીયા, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, મહેન્દ્રસિંહ સરવૈયા, લલિતભાઈ રાદડિયા, તમામ તાલુકા તથા જિલ્લા પંચાયતના પ્રમુખઓ, હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા