રાજકોટ,તા.26 ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે, ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની માટાપાયે આવક થઇ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની 7 હજાર જેટલી ગુણીની આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવે ખેડૂતોની મગફળી વેચાઈ રહી છે. હાલ સરેરાશ 1હજાર થી 1300 રૂપિયા ગુણીના ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યુ છે. ખેડૂતોને પોતાની મગફળીની પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની માહોલ છે. ગત વર્ષે સરકારે મગફળીના ટેકાના ભાવ 1000 રૂપિયા જાહેર કર્યા હતા અને ચાલુ વર્ષે 1018 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે. જો કે હાલ તો ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ મળી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં પણ ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળી રહે તેવા સરકાર પગલાં લે તેમ ખેડૂતો આશા રાખી રહ્યા છે.