સોલા સિવિલ હોસ્પિટલમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ,તા.25

દર વર્ષે વિશ્વમાં ૨૫મી સપ્ટેમ્બર’ના રોજ ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આજે સોલા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ ફાર્માસિસ્ટ (ટીએફજીપી) દ્વારા ફાર્માસિસ્ટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય તબીબી સેવાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

ટીએફજીપીના મીડિયા પ્રવક્તા અને ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના સંગઠન મંત્રી ચિરાગ સોલંકી એ જણાવ્યું કે “આજકાલ ડેન્ગ્યુના ઘણાં કેસો જોવા મળી રહ્યા છે. એલોપથી માં ડેન્ગ્યુ ના રોગની કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નહીં હોવાથી લોકો પપૈયાના પાનનું આડેધડ સેવન કરે છે. પરંતુ મોટાભાગના લોકો જાણતા જ નથી કે પપૈયાના પાનનું વધારે પડતું સેવન નપુંસકતા નોતરે છે.’ આ પ્રમાણે જ લોકો સામાન્ય તાવ, શરદી-ખાંસી, માથાનો દુઃખાવો, હાથપગનો દુઃખાવો થતાં જાતે જ દવા લઈ સેલ્ફ મેડીકેશન કરતાં હોય છે. ડૉક્ટર કે ફાર્માસિસ્ટની સલાહ લીધા વિના કરાતું સેલ્ફ મેડીકેશન આરોગ્ય માટે ખતરારૂપ છે. ‘એમ તેમણે ઉમેર્યું હતું.

સોલા સિવિલમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આરોગ્ય તબીબી સેવાના અધિક નિયામક ડો એચ કે ભાવસારે કહ્યું હતું કે, દર્દીઓને જરૂરી દવાઓ સમયસર મળી રહે તે માટે જુદી જુદી ડિસ્ટ્રીકટ હોસ્પિટલો દ્વારા દવાઓના સ્ટોકની વિગતો દર્શાવતું એક વોટ્સએપ ગ્રૂપ બનાવવું જોઈએ. જેથી જરૂરિયાતમંદ દર્દીને જોઈતી દવાઓ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય અને કોઇપણ હોસ્પિટલમાં દવાઓની અછત ન રહે. કોઈપણ મેડિકલ સ્ટોરમાંથી પણ  પ્રશિક્ષિત ફાર્માસિસ્ટ પાસેથી દવા ખરીદવી જોઈએ’ એમ તેમણે જણાવ્યું હતું.

ફાર્માસિસ્ટ  મંડળના ચિરાગ સોલંકી ઉમેરે છે કે ‘ફાર્માસિસ્ટે દરેક દરદીને દવાની પૂરતી સમજ આપવી જોઈએ અને રોગચાળો ન ફેલાય તેની સાવચેતી માટે શું પગલાંઓ લઈ શકાય તેના સૂચનો  આપ્યાં હતાં. દર્દીઓને ટી બી અવેરનેસ, ડેન્ગ્યુ તાવની જાણકારી, ડાયાબીટીસ, બિનજરૂરી એન્ટિબાયોટિક, ચિકનગુનિયા, બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવું, એલોપથી દવાઓનો વપરાશ કેવી રીતે કરવો તથા બીજા રોગોની જાણકારી અને દવાઓના ઉપયોગ અંગેની માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *