કોઈ પણ વાક્ય, ગીત, સુવિચાર, કે સુભાષિતના પોતાને અનુકુળ પડે તેવાં અર્થ કરવા એ માણસ જાતની એક ખાસિયત છે.
જેને અર્થઘટન કહેવાને બદલે અનર્થઘટન કહેવા વધુ ઉચિત લાગે.
કોઈ પણ વાર્તા, ગીત, સુવિચાર કે સુભાષિત કોના માટે બનેલ છે તે સમજવું ખુબ જ જરુરી છે.
જેનાં માટે બન્યું છે તેનાં બદલે જેનાં માટે નથી બન્યું તે લોકો આનો ઉપયોગ પોતાનાં લાભ માટે કરતાં થયાં છે.
થોડાં ઉદાહરણ જોઈએ..
ભૂલો ભલે બીજું બધું – માબાપ ને ભૂલશો નહિ..
આ ગુજરાતી ગીત ખરેખર સંતાનોને સંબોધીને લખાયેલું છે..
અને મોટા ભાગના માં-બાપ પોતાનાં સંતાનોને આ ગીત સંભળાવીને પોતાનાં પ્રત્યે ભાવ-આદર રાખે તેવી આડકતરી સલાહ અને અપેક્ષા રાખવા લાગ્યા છે.
આ ગીતને સમજીને આપણે આપણા માં-બાપ માટે ભાવ – આદર પેદા કરવાનો છે. આપણા સંતાનોને સંભળાવીને આપણા પ્રત્યે ભાવ-આદર પેદા કરવાની મહેનત નથી કરવાની..
એ તો સંતાન તરીકે આપણો આપણા માં-બાપ સાથે જેવો વ્યવહાર હશે, તે જોઇને આપણા સંતાનો આડકતરી રીતે શીખે જ છે.
ખરેખર માં-બાપ માટે એક એવું પણ ગીત લખાવું જોઈએ કે ..
ભૂલો ભલે બીજું બધું માં-બાપ છો. ભૂલશો નહિ.
આવું જ બીજું ઉદાહરણ જોઈએ..
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ
આ શ્લોક શિષ્ય માટે બનેલો છે. કે ભાઈ તારા ગુરુ જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે.
જે ગુરુ છે તેને માટે આ શ્લોક છે જ નહિ.
ગુરુએ શિષ્ય બનાવવાના જ ન હોય, શિષ્યે ગુરુ બનાવવાના હોય.
ભગવાન દત્તાત્રેયે પોતે ગુરુ બનાવ્યા છે. કોઈ ગુરુએ સામેથી તેમને કંઠી બાંધી નથી.
આ શ્લોકનું અનર્થ ઘટન કરીને આજકાલ ગુરુ સ્વયં પોતાની જાતને જ પરબ્રહ્મ સમજવા માંડ્યા અને શિષ્યોને પણ સમજાવવા લાગ્યા.
આનો લાભ લઈને આજકાલ કેટલા બધાં ગુરુ ઘંટાલ દુકાન ખોલીને બેસી ગયાં છે.
વડોદરાની નજીક સાવલી નામના ગામમાં એક મહાદેવનું મંદિર છે. ખુબ જ પવિત્ર વાતાવરણ છે. ત્યાં પુ. સ્વામીજી દ્વારા અપાયેલા થોડાં વાક્યો લખ્યા છે. તેમાં એક વાક્ય છે…
મેં કિસીકા ગુરૂ નથી,
મેરા કોઈ ચેલા નહિ..
હવે એક ગુજરાતી કહેવતમાં લઇ જાઉં..
ધાર્યું ધણીનું થાય..
આ કહેવત સમગ્ર માનવ જાત માટે બનેલી છે.
અહીં ધણી શબ્દનો અર્થ પરમાત્મા – ઈશ્વર છે.
જયારે કોઈ પણ કાર્ય પોતાનાં પ્લાનિંગ મુજબ ન થાય ત્યારે પોતાની જાતને આશ્વાસન મળે તેવી આ કહેવત છે.
પરંતુ ગુજરાતી ભાષામાં ધણી શબ્દ પ્રયોગ પતિદેવ માટે પણ પ્રયોજાય છે.
બસ..
આનો લાભ લઈને બહુ જ મોટો અનર્થ થઇ ગયો અને ઘરની સ્ત્રીઓ ઉપર સમાજિક મર્યાદા અને બંધનો લાદવા માટે ભરપુર ઉપયોગ થયો.
બે-ત્રણ સંતાનો પેદા કરવા સિવાય બીજી કોઈ મોટી ઉપલબ્ધી પ્રાપ્ત ન કરી હોય તેવાં પતિદેવો..
ધાર્યું ધણી થાય આમ કહીને ઘરની સ્ત્રીઓને કંટ્રોલ કરવાનો ભરપુર પ્રયાસ કરે અને પરિણામે ઘર કંકાસનો જન્મ થાય..
સમયાંતરે ઘરની સ્ત્રીઓ પણ આ વાતનો મનોમન સ્વીકાર કરી લે અને ઘણાં કિસ્સાઓમાં તો સાસુ પોતે પણ એક સ્ત્રી હોવા છતાં પણ વહુ પર પ્રતિબંધો લાદવા માટે આ કહેવતનો ઉપયોગ કરે..
તમને પણ આવી કોઈ કહેવત, ગીત કે સુભાષિત યાદ આવાતું હોય તો લખજો..
પરેશ ભટ્ટ