ગાંધીનગર,તા.26
દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીવેન્દ્ર ગુપ્તાની નિયુકતી અને તેમના દ્વારા આચરાવામાં આવેલી અનિયમિતતા અંગે અગાઉ અનેક વખત ભાજપના ધારાસભ્ય રજુઆત કરી ચુકયા હતા, પણ બે દિવસ અગાઉ ભાજપના નેતા અને નર્મદ યુનિવર્સિટીના ત્રણ સીન્ડીકેટ સભ્યોએ ગાંધીનગર ખાતે વિજય રૂપાણીને મળી રજુઆત કરી હતી. રૂપાણીએ આ મામલે ઈન્કવારી કમિટી બેસાડી તપાસ કરાવવાની ખાતરી આપી હતી. તેમણે આશ્વાસન આપ્યુ કે ગુપ્તા સામેની તપાસમાંજો તથ્ય માલુમ પડશે તો પાટણ યુનિર્વર્સિટીના વાઈસ ચાન્સેલરને જે પ્રકારે હટાવી દેવામાં આવ્યા તે પ્રકારે આ કિસ્સામાં પણ કાર્યવાહી થશે જેમાં સરકાર જરા પણ વિલંબ કરશે નહી.
શિક્ષણ અનુભવના દાવા અને દસ્તાવેજ ખોટા
અગાઉ જાહેર બાંધકામ વિભાગમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા શીવેન્દ્ર ગુપ્તાએ કુલપતિ પદ માટે તેમની પાસે 17 વર્ષની ટીચીંગનો અનુભવ છે તેવો દાવો કર્યો હતો અને દસ્તાવેજ પણ મુકયા હતા, પરંતુ તેમની સામે કેટલાંક સીન્ડીકેટ સભ્યોએ તપાસ કરતા કઈક અલગ તથ્યો સામે આવ્યા હતા જેમાં 2008 સુધી સરકારમાં નોકરી કરનાર ગુપ્તા પાંચ વર્ષ માટે અનઅધિકૃત રીતે ગેરહાજર રહેવાની નોંધ મળી આવી હતી. આ ઉપરાંત તેમણે એક ખાનગીમાં કોલેજમાં વીઝીટીંગ ફેકલટી તરીકે થોડો થોડા સમય માટે કામ કર્યુ હતું આમ તેમનો દાવો અને દસ્તાવેજો ખોટા હોવાને કારણે તેમને પદ પરથી હટાવી દેવાની માગણી થઈ હતી.
યુનિવર્સિટીના નિયમો બહારની કાર્યપધ્ધતિ
વ્યકિતગત પ્રસંશામાં તેઓ કસર ન છોડતા ગુપ્તાએ કુલપતિ થયા પછી યુનિવર્સિટીના સોવીનીયરના પાને પાને તેમના ફોટો મુકાવ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીના નિયમો બહાર જઈ તેઓ કામ કરતા હોવાનો આરોપ પણ થયો છે. પોતાને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનું પીઠબળ છે તેવો દેખાવ કરતા ગુપ્તાએ પોતાની સામે થઈ રહેલા આરોપોની અવગણના કરી અને પોતાને પસંદ નથી તેવા લોકો ભ્રષ્ટ છે તેવા દાવા સાથે તેમણે અનેક અધ્યાપકો અને આચાર્યોને કાઢી મુકયા હતા જેના કારણે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં કુલ 28 ફરિયાદો કુલપતિ સામે પડતર છે.
તપાસની ખાતરી
આ સમગ્ર મામલે રજુઆત કરવા અને શીવેન્દ્ર ગુપ્તાને હટાવવામાં આવે તેવી માગણી સાથે સીન્ડીકેટ સભ્ય સંજય દેસાઈ, ડૉ કશ્યપ ખરચીયા, ડૉ મુકેશ મહિડા, જિલ્લા પંચાયતના પ્રમુુખ હિતેન્દ્ર વનસાઈ,અને ઉદ્યોપતિ પ્રકાશ ગોહીલ સહિત અન્ય આગેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. પ્રતિનિધિ મંડળને સાંભળ્યા બાદ વિજય રૂપાણીએ આ મામલે ઈન્કવારી કમિટી બનાવી તપાસ કરાવવાની ખાતરી આપી હતી.