રાજ્યના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોને સીધી અસર થાય અને તેમના બજેટમાં ખુબ મોટી રાહત થાય તેવા અતિ મહત્વપુર્ણ બે નિર્ણયો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધા છે. જેમાં સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા મૂલ્ય વર્ધિત વેરા (વેટ) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે રૂ. ૬ થી ૭ તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે રૂ. ૫ થી ૫.૫૦નો ઘટાડો થશે. તે ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૩૮ લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમિયાન એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવા અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની નિર્ણાયક સરકારે લીધો છે. આ બંને અતિ મહત્વપુર્ણ નિર્ણયોને આવકારી રાજ્યના નાગરિકો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇને પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ જાહેરાત કરતા જણાવ્યુ કે, ગરીબ તથા મધ્યમ વર્ગીય નાગરિકોને રાહત દરે ધુમાડા રહિત રાંધણ ગેસ મળી રહે તેમજ સ્વચ્છ ઈંધણનો વપરાશ વધે તે હેતુસર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અમલમાં છે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ યોજનામાં સમાવિષ્ટ ગુજરાતના ગરીબ, મધ્યમ વર્ગીય તેમજ શ્રમિક પરિવારો માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૩૮ લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમિયાન કુલ બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલુ જ નહિ, રાજ્ય સરકારની એલપીજીપી/પીએનજી સહાય યોજનાના અંદાજે ૨૦ હજાર જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી રૂ.૧૦૫૦ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળના કુલ ૩૮ લાખ કુટુંબોને આ નિર્ણય થકી રૂ.૬૫૦ કરોડની ખૂબ મોટી રાહત થશે