પોલિસ પ્રજાની મદદ કરે છે પણ પોલિસની મદદ કોણ કરશે…?

મોડાસા, તા.૨૬

અરવલ્લી જીલ્લાનું એકમાત્ર મહિલા પોલીસ સ્ટેશનની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલા પોલીસ અધિકારી સહીત કર્મચારીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ સ્ટેશને આવનારી મહિલા અરજદારો પણ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહિલા પોલીસસ્ટેશનની આજુબાજુ સતત પાણી ભરાઈ રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળામાં પણ મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ડેન્ગ્યુ, મેલેરિયા જેવી મહામારી બીમારીમાં સપડાવાનો ભય પણ મંડરાઈ રહ્યો છે.

અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મોડી રાત્રે મેઘરાજા વરસ્યા હતાં, જેને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોડાસા શહેરમાં મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરમાં એક ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાને કારણે પ્રજા તો ઠીક પોલિસ પણ પરેશાન થઇ રહી છે. તંત્રની ઢીલી કામગીરી અને નામ પુરતી પ્રિમોન્સુન કામગીરીને કારણે મોડાસાનું મહિલા પોલિસ સ્ટેશન બાકાત રહ્યું નથી. મહિલા પોલિસ સ્ટેશન નજીક તાલુકા હેલ્થ ઓફિસની પણ કચેરી આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં અરજદારો તેમજ કર્મચારીઓની અવર-જવર રહે છે, જેથી તમામ લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યા છે. તંત્રની નબળી કામગીરીથી તંત્ર પરથી હવે પ્રજા વિશ્વાસ પણ ઉઠી રહ્યો છે. સવાલ એ નથી કે પાણી કેમ ભરાયા છે, પણ સવાલ એ છે કે, પ્રિમોન્સુન કામગીરી થઇ છે તો થોડા વરસાદમાં પણ પાણી કેમ ભરાઇ જાય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *