ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી
8 ઓક્ટોબરનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 8 ઓક્ટોબરને ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day) તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે 90 મો સ્થાપના દિવસ ઊજવવામાં આવશે. ભારતીય વાયુસેના દુનિયાની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાંથી એક છે. વાયુસીમાની સુરક્ષા અને વિષમ પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી ભારતીય વાયુસેનાના જાંબાઝો પર છે. ભારતીય વાયુસેનાએ અનેક વાર પોતાના પરાક્રમ બતાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
વાયુસેનાનુ ધ્યેય વાક્ય અને તેનો અર્થ
ઈન્ડિયન એરફોર્સનુ ધ્યેય વાક્ય છે, ‘નભઃ સ્પૃશં દીપ્તમ’ એટલે કે ગર્વ સાથે આકાશને આંબવુ. વાદળી, આસમાની અને સફેદ તેના રંગ છે. ભારતીય વાયુસેનાનુ ધ્યેય વાક્ય ગીતાના 11માં અધ્યાયથી લેવામાં આવ્યુ છે. કહે છે કે જ્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને જે ઉપદેશ આપ્યો હતો, તે આદર્શ વાક્ય તેનો મહત્વનો ભાગ હતો
ભારતીય વાયુસેના દિવસની ઊજવણી
દર વર્ષે વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ખૂબ જ ધામધૂમથી વાયુસેના દિવસ ઊજવવામાં આવે છે. હિંડન એરબેઝ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું 8મું સૌથી મોટું એરબેઝ છે. દેશના અત્યાધુનિક વિમાનો સાથે ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનો પોતાના દિલધડક કરતબ બતાવીને શોર્યનો પરિચય આપે છે.