ગાંધીનગર, તા.27
રાજ્યના મુખ્યપ્રધાનની સત્તાવાર કારના વીમા મામલે થયેલા વિવાદ બાદ સૌપ્રથમ તેમની કારનો વીમો 2015માં પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બાદમાં ગાડીનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું હતું, પરંતુ આજે ફરી તેમની ગાડીના વીમા મામલે તપાસ કરતાં વાહનવ્યવહાર વિભાગની સત્તાવાર એસએમએસ સેવામાંથી ગાડીનો વીમો 20 સપ્ટેમ્બર 2020 સુધી હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. એક જ મહિનામાં ત્રણ વખત તારીખ બદલાય એ મામલે અનેક સવાલો ઊભા થયા છે.
મુખ્યપ્રધાનની ગાડીના વીમાનો વિવાદ
આ અંગેની વિગતો એવી છે કે, 17 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સત્તાવાર સરકારી કાર નંબર જીજે-18-જી-9085નો વીમો એપ્રિલ 2015માં પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જનસત્તાને વાહનવ્યવહાર વિભાગની સત્તાવાર એસએમએસ સેવા નંબર 7738299899 પર સાંજે 5:09 કલાકે આ પ્રકારનો મેસેજ મળ્યો હતો, પરંતુ એ જ દિવસે રાત્રે 8:29 વાગ્યે આ જ નંબર પરથી ગાડીનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી હોવાનો મેસેજ મળ્યો હતો. આ પ્રકારે અલગઅલગ મેસેજના આધારે એવો સવાલ ઊઠ્યો હતો કે માત્ર ગણતરીના કલાકોમાં વાહનવ્યવહાર વિભાગની માહિતી આટલી ઝડપથી કેવી રીતે અપડેટ થઈ ગઈ?
આ જ ગાડી માટે આવી ચોંકાવનારી વિગતો
આજે જ્યારે જનસત્તાએ ફરી 7738299899 નંબર પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સત્તાવાર સરકારી ગાડીની વિગતો માટે મેસેજ કરતાં ચોંકાવનારો મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં ગાડીનો વીમો 20 સપ્ટેમ્બર 2020 સુધીનો હોવાનું જણાવાયું હતું. આ પ્રકારનો મેસેજ આવ્યો છે ત્યારે હવે આ મામલે આ પ્રકારની માહિતી મળતાં અનેક પ્રકારના સવાલો ઊઠે છે.
વાહનવ્યવહાર વિભાગમાં ચાલે છે લોલમલોલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સત્તાવાર ગાડીના વીમા અંગેની વિગતો અંગે 17 સપ્ટેમ્બરે પહેલાં એપ્રિલ 2015માં પૂર્ણ થયો હોવાની માહિતી, ત્યારબાદ એ જ દિવસે રાત્રે 31 ડિસેમ્બર 2019 સુધીનો વીમો હોવાની માહિતી અને હવે આજે 20મી સપ્ટેમ્બર 2020 સુધીનો વીમો હોવાની માહિતીને કારણે સરકારના વાહનવ્યવહાર વિભાગમાં લોલમલોલ જ ચાલતું હોવાનું લાગી રહ્યું છે. હવે મુખ્યપ્રધાનની ગાડીનો વીમો ક્યાં સુધીનો છે એ તો જ્યારે તેના અસલ દસ્તાવેજો જોવા મળે ત્યારે જ ખબર પડે.