ગાંધીનગર-ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા 5 સ્લીપર કોચ અને 20 સીટીંગ બસોનું રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગૃહપ્રધાને બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે તે માટે રાજ્યનો માર્ગ અને પરિવહન વિભાગ સતત પ્રયત્નશીલ છે. સાથે તેમણે તહેવારોમાં પણ પોતાની ફરજ અદા કરતા એસ.ટી કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ લોકોની સુખાકારી માટે તહેવારો સમયે પોતાની ફરજ નિભાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે .એસ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ગુજરાત એસટી નિગમના એમ.ડી એન. એ. ગાંધી તથા ગાંધીનગર એસટી ડેપોના સ્ટાફ મેમ્બર્સ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.