અમદાવાદ– ઉત્તરાયણ 2024ના અવસર પર શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્ર્સ્ટના સંગાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મુંબઇ સહિત રાજ્યભરમાંથી આવેલા લોકોએ પરમાર્થ હેતુ અને ઈશ્વરીય સાંનિધ્ય અનુભવવાનો સુંદર મોકો ઉઠાવ્યો હતો. સીટીએમ સ્થિત આ સંસ્થાના હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યો દ્વારા સતત 14મી નિઃશુલ્ક ત્રિદિવસીય ધ્યાનયોગ શિબિર યોજાઇ હતી.
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ચેરમેન રાજુભાઈ પટેલના સહકારમાં કેમ્પસના પ્રાકૃતિક વાતાવરણમાં 14 અને 15 જાન્યુઆરીના બે દિવસ ભારતીય સંસ્કૃતિને અનુરુપ યોગસાધના અને સૂર્યપૂજન સહિતના વૈવિધ્યસભર કાર્યક્રમોમાં ઉમંગભેર એનઆરઆઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
15 તારીખે થેલેસેમિક બાળ દર્દીઓ માટે સંસ્થા દ્વારા સતત 14મી રક્તદાન શિબિર યોજાઇ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંક સહયોગમાં રક્તદાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં આ વર્ષે વિશેષપણે ઝણકાર દિવ્યાંગ ફાઉન્ડેશનના મેમ્બરો માટે ખાસ કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં જ્યારે થેલેસેમિયા દર્દીઓને રક્તની ખૂબ જરુર હતી ત્યારે પણ સંસ્થા દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયાના બાળ દર્દીઓને અનુરુપ ભોજન, રમકડાં અને પતંગોનું વિતરણ કરી તેઓની પ્રસન્નતા નિહાળવાનો લહાવો પણ મળ્યો હતો. બાળ દર્દીઓ સાથે દિવ્યાંગો સાથે આવેલાં તેમના પરિજનોને પણ ભોજનપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાની સદકાર્યોની સુવાસ જ્યારે પરદેશમાં પણ ફેલાયેલી છે ત્યારે આ વર્ષે અમેરિકન યુગલ લોરા બાર્ન્સ અને સચીન પટેલ, મયૂરી અને ચિરાગ પટેલ તથા ઓસ્ટ્રેલિયાથી આવેલાં ડોક્ટર મોનિકા બેગડા યોગધ્યાન શિબિર તેમ જ રક્તદાન શિબિરમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.