સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે: ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈ

કચ્છ અને બનાસકાંઠામાં 10,839 વીજ ગ્રાહકોને રૂ. 6,386 લાખની સબસિડી અપાઈ

ગાંધીનગર– ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ ( Solar Rooftops In Gujarat ) સ્થાપિત કરવામાં 82 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં જવાબ આપતાં ઉમેર્યું હતું કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી ઑગસ્ટ 2019થી ‘સૂર્ય-ગુજરાત યોજના’ ( Surya Gujarat Yojana ) કાર્યરત છે. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર એક કિલોવૉટથી મહત્તમ 10 કિલોવૉટની મર્યાદામાં સોલાર રૂફટોપ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના 3,559 વીજ ગ્રાહકોને રૂ. 1,915 લાખની સબસિડી આપવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં આવેલા બિપોરજોય વાવાઝોડામાં વીજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતા કનુભાઈએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ કર્મચારીઓની ઉત્તમ કામગીરીના કારણે ખૂબ જ ટૂંકા સમયગાળામાં વીજ પુરવઠો પૂર્વવત કરી વીજ કર્મચારીઓએ કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કચ્છ જિલ્લામાં 7,280 વીજ ગ્રાહકોને રૂ. 3,371 લાખની સબસિડી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *