ગાંધીનગર– ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના ડીટેક્શન અને પ્રિવેન્શનમાં મદદ મળે છે. ( Violating traffic rules In Ahmedabad )
હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાને મરામતની જરૂર છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ફંડ ફાળવી આ કેમેરાની મરામત કરી પુનઃ કાર્યરત કરવામાં આવશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ 2022 દરમિયાન 17.43 લાખ તેમજ વર્ષ 2023 દરમિયાન 3.48 લાખ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરેલા ઇ-મેમોથી વર્ષ 2022માં રૂ. 25.51 કરોડથી વધુ તેમજ વર્ષ 2023માં રૂ. 3.53 કરોડથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન 2,133 તેમજ વર્ષ 2023 દરમિયાન 13,293 ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે વર્ષ 2022માં રૂ. 4.58 લાખથી વધુ તેમજ વર્ષ 2023માં રૂ. 31.33 લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.