રાજપીપલા– મા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.8 એપ્રિલ, સોમવારથી શરૂ થઈ 8 મે, 2024 સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુૂઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાંક સૂચનો કર્યા હતા.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ પરિક્રમા 8 એપ્રિલથી શરૂ થવાની છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય. વહીવટી તંત્ર દ્વારા પુરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો પણ વહીવટી તંત્રને પુરતો સહયોગ આપશે તેેમ પણ જણાવ્યું હતું.
આ સ્થળ વિઝિટમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, તાલીમી આઈએએસ અધિકારી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, નાંદોદ-તિલકવાડાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ, બંન્ને તરફના ઘાટ ખાતેના નોડલ-સહ નોડલ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.