અમદાવાદ- મતદાન એ જ મહાદાન. આ સૂત્રને સાર્થક કરવા માટે તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણાધિકારી- અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે આ બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ કલેક્ટર કચેરીથી નીકળેલી બાઇક રેલી ગાંધીઆશ્રમ, જૂના વાડજ, આશ્રમ રોડથી પસાર થઇને ટાગોર હોલ ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
અમદાવાદ કલેક્ટર કચેરીથી ટાગોર હોલ સુધીના રૂટ પર મતદાન જાગૃતિના પોસ્ટર સાથે આયોજિત આ રેલીમાં શાળાનાં 5,000થી વધુ શિક્ષકો જોડાયા હતા. શહેરમાં બાઇક રેલી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો.
‘લોકશાહીનું ઉત્તમ દાન દરેક નાગરિકનું મત પ્રદાન’,
‘ભૂલો ભલે બીજુ બધુ મતદાન ને ભૂલશો નહીં’,
‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’,
‘મતદાતા જાગૃતિ, રાષ્ટ્રની જાગૃતિ’,
‘નહીં કરીએ જો મતદાન થશે બહુ મોટું નુકસાન’,
‘મતદાન મહાદાન’,
‘મતદાન લોકશાહીનો પ્રાણ’,
‘મારો મત મારી તાકાત’,
‘મત આપો મત અપાવો’,
‘આવો સૌ મતદાન કરીએ લોકશાહીને મજબૂત કરીએ’
જેવાં સૂત્રો તથા બેનર્સ સાથે બાઇક રેલી નીકળી હતી.
જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તમામ વર્ગના લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ મતદાન જાગૃતિ માટે સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ ભવ્ય બાઈક રેલી કરીને શહેરીજનોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ બાઇક રેલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણાધિકારી- અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.