સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

સોમનાથ-  પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની આજે 11 મે, 2024ને શનિવારે ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી. આજે આ મહાન ક્ષણ ને 74 વર્ષ થયા છે.

11 મે 1951ની એ ધન્ય ક્ષણ:

વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 74મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષ દર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે 101 તોપોની સલામી આપવામાં આવી હતી.

દિવસ દરમિયાન પૂજન અર્ચન કાર્યક્રમો:

આજે શ્રી સોમનાથ મંદિર ના 74માં’ માં સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવેલ, સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજા રોહણ કરવામાં આવેલ, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે સવારે 9:46 વાગ્યે મહાપૂજા કરવામાં આવેલ હતી, એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગાર ની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડ નો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો, આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે, તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતાં‌. આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહા શૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *