અમદાવાદ- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મનિર્માતાઓ, કલાકારો અને કસબીઓને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ કરવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે ગુજરાત એ કલા, કથા અને સંસ્કૃતિની ભૂમિ છે અને લોક સંસ્કૃતિને જિવંત રાખવાનું કામ ફિલ્મો કરે છે, ત્યારે આ પ્રકારના આયોજનો વિવિધ સંસ્કૃતિઓના સમન્વયમાં સેતુરૂપ ભૂમિકા ભજવે છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહીને શોર્ટ ફિલ્મની વિવિધ શ્રેણીઓમાં વિજેતા પ્રતિભાશાળી કલાકારો અને કસબીઓને પુરસ્કૃત કરી અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળથી કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે આજે ગુજરાતનો ફિલ્મ ઉદ્યોગ સતત વિકાસ કરી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત વિકસિત રાજ્ય બનવાની સાથે સમગ્ર દેશમાં વિકાસનું રોલમોડલ બન્યું છે.
વર્ષ ૨૦૦૧માં નરેન્દ્રભાઈએ ગુજરાતની ધૂરા સંભાળ્યા બાદ ગુજરાતે સતત વિકાસનાં નવાં સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યાં છે. જેનાં ૨૩ વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. મુખ્યપ્રધાને જણાવ્યું કે આજે ‘વિકાસ એટલે ગુજરાત’ અને ‘ગુજરાત એટલે વિકાસ’ એ શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તેમના આગવા દૃષ્ટિકોણથી મુખ્યપ્રધાન તરીકે ભૂકંપ બાદ કચ્છના પુનર્વસન અને નર્મદાનીરને કચ્છના સૂકા રણપ્રદેશ સુધી પહોંચાડ્યા અને વિવિધ વિકાસકામો કર્યાં છે. જેના થકી કચ્છની કાયાપલટ થઈ છે અને આજે કચ્છ વિશ્વ પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે. આ જ પ્રકારે વાઇબ્રન્ટ સમિટ જેવાં આયોજનો થકી ગુજરાત બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે અને હવે ગ્રીન એનર્જી તથા સેમિ કંડક્ટર હબ બનવા તરફ અગ્રેસર છે.
વડાપ્રધાને ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્ર આપ્યો છે. ત્યારે લોક સંસ્કૃતિને જિવંત રાખવાનું કામ ફિલ્મો કરે છે. ગુજરાત એ કથા, કલા અને સંસ્કૃતિની ભૂમિ છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતી ફિલ્મોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ ફિલ્મ પ્રોત્સાહક નીતિ ઘડી છે તેમજ ફિલ્મોદ્યોગને સહાયરૂપ થવા માટે પણ રાજ્ય સરકાર હંમેશાં તૈયાર છે.
સંસ્કૃતિનું નિરૂપણ કરતી અને લોકભોગ્ય તેમજ પારિવારિક ફિલ્મોના નિર્માણ પર ભાર મૂકતા મુખ્યપ્રધાને જણાવ્યું કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અને અનુકરણવાળા કન્ટેન્ટના ધરાવતી ફિલ્મો નો પ્રભાવ અને પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે સારું અને સાચું કન્ટેન્ટ દર્શાવતી અને વૈજ્ઞાનિક અભિગમવાળી વધુ ને વધુ ફિલ્મો બને તે જરૂરી છે.
મુખ્યપ્રધાને કહ્યું કે ફિલ્મો એ સમાજનો અરિસો છે, ત્યારે સારી ફિલ્મોના નિદર્શનની સારી અસર પણ સમાજ પર ચોક્કસ પડશે. આ દૃષ્ટિએ આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલને મુખ્યપ્રધાને રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવ્યો હતો.
મુખ્યપ્રધાને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે અને આપણી ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ કરતા રહેવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌ ઉપસ્થિત અગ્રણીઓને આહવાન કર્યું હતું.
ગુજરાત પ્રવાસન વિભાગ, વિશ્વ સંવાદ કેન્દ્ર, ભારતીય ચિત્ર સાધનાના સંયુક્ત ઉપક્રમે શોર્ટ ફિલ્મ બનાવનારા પ્રતિભાશાળી સર્જકોને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે બે દિવસીય સપ્તરંગ શોર્ટફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો પર કુલ ૨૭૭ જેટલી શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રી નોંધાઈ હતી. જેમાંથી ૩૭ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તેમજ બે માસ્ટર ક્લાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ વંદન શાહ, જાણીતા કલાકાર અને ફિલ્મનિર્માતા ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ વિજયભાઈ ઠાકર સહિત જાણીતા ફિલ્મ નિર્માતાઓ તેમજ કલાકારો-કસબીઓ અને ફિલ્મચાહકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.