ગાંધીનગર– ગુજરાત રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ 31 ડિસેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ હોય છે. દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ “શ્રી રામ જન્મભૂમિ”ના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના તમામ નાગરીકો માટે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે ભગવાન “શ્રી રામ”ના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂ. 5,000 મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
![](https://allgujaratinews.com/wp-content/uploads/2024/12/ram_11-e1734437923153.jpeg)
યાત્રા પૂર્ણ કર્યા બાદ પુરાવારૂપે રેલવે આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા/ ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો/ અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના 2 થી 3 રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે.
રજીસ્ટ્રેશન અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન જ યાત્રા કરવાની રહેશે. અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી અરજી કરવાની રહેશે.