જયપુર– જયપુરમાં મુખ્યપ્રધાન આવસ પર કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક મળવા જઈ રહી છે. તેના માટે વ્હીપ જાહેર કરાયો છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે જે ધારાસભ્યદળની બેઠકમાં નહી આવે તેના પર કાર્યવાહી થશે. તેમજ સચિન પાયલટે સાફ કર્યું છે કે તેઓ બેઠકમાં નહી જાય.
સુત્રોના કહેવા અનુસાર સચિન પાયલટ સહિતના તેમની સાથે રહેલા કોંગ્રેસના 25 ધારાસભ્યો ભાજપમાં જોડાશે, તો બીજા સુત્રોના કહેવા પ્રમાણે તેઓ નવો પક્ષ રચશે. રાજસ્થના વિધાનસભામાં કુલ 200 બેઠક છે, જેમાંથી 107 બેઠક કોંગ્રેસ પાસે છે અને 72 બેઠક ભાજપ પાસે છે. 3 બેઠક આરએલપી, બે બેઠક સીપીઆઈએમ, 2 બેઠક બીટીપી અને 1 બેઠક આરએલડી અને 13 બેઠક અપક્ષ પાસે છે.
છેલ્લે મળતાં સમાચાર મુજબ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર માટેથી સંકટ હટયું હોય તેવું દેખાઈ રહ્યું છે. સોમવારે સાંજે 100થી વધુ ધારાસભ્યોની મીડિયા સામે પરેડ કરાવાઈ અને વીકટ્રીની સાઈન બતાવી છે. તેનાથી સ્પષ્ટ સંદેશ જાય છે કે ગેહલોત પાસે બહુમતી છે. અને સચિન પાયલોટના તમામ દાવા ખોટા છે. હવે સચિન પાયલોટ શું પગલું ભરે છે, તેના પર દેશની નજર છે. અત્યાર સુધી સચિન પાયલટ કહેતા હતા કે તેમની સાથે 25 ધારાસભ્યો છે.
રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે કોંગ્રેસની સરકાર સંપૂર્ણરીતે સ્થિર છે. કોંગ્રેસની પાસે પૂર્ણ બહુમતી છે. ભાજપ ગમે તેટલા ષંડયત્ર કરે, પણ અમારી સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે. સચિન પાયલોટ સહિતના તમામ કોંગ્રેસના ધારાસભ્યોના દરવાજા અમારા માટે ખુલ્લા છે અને ખુલ્લા રહેશે. વૈચારિક મતભેદને કારણે આપણી ચૂંટાયેલી સરકારને નબળી કરવી અને ભાજપ ધારાસભ્યને ખરીદી રહી છે, તેવા પ્રવૃત્તિને મોકો આપવો આપવો યોગ્ય નથી.
બીજી તરફ આવકવેરા વિભાગે અશોક ગેહલોતના નજીકના જયપુરમાં રાજીવ અરોડાની આમ્રપાલી ઓફિસ પર દરોડા પાડ્યા છે. અત્રે નોંધનીય છે કે રાજીવ અરોડા કોંગ્રેસના સભ્ય છે.
ભાજપના ઉમા ભારતીએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે અને મધ્યપ્રદેશમાં જે થયું છે, તેના માટે રાહુલ ગાંધી જવાબદાર છે. તે કોંગ્રેસમાં યુવા નેતાઓને આગળ વધવા દેતા નથી. તેમને એમ લાગે છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ જેવા શિક્ષિત અને સક્ષમ નેતા ઉચ્છ પદ પ્રાપ્ત કરી લેશે જેથી તેઓ પાછળ રહી જશે.
રાજસ્થાનના ભાજપ પ્રમુખ સતીશ પુનિયાએ કહ્યું હતું કે સચિન પાયલટ સીએમ પદના યોગ્ય ઉમેદવાર હતા, પણ અશોક ગેહલોતને કાર્યભાર સોંપાયો હતો. ત્યારથી પાર્ટીમાં સંઘર્ષ શરૂ થયો હતો. આજે જે થઈ રહ્યું છે તે તેનું પરિણામ છે. ગેહલોતની સરકાર બહુમતી ખોઈ બેઠી છે.