અમદાવાદ– અમદાવાદ જિલ્લાના બાવળા સ્થિત I-Create( International Centre for Technology and Entrepreneurship) અને ઈઝરાયલના સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ(SNC)એ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા I-create કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈઝરાયેલના ભારત ખાતેના રાજદૂત રોન મલકા અને ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસની ઉપસ્થિતિમાં I-create ના સીઈઓ અનુપમ જાલોટ અને સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ(SNC) ના સીઈઓ યુ. જે. કાંડલે સમજૂતીપત્ર હસ્તાક્ષર કર્યા હતા.
આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં રોન મલકાએ કહ્યું કે, ઈનોવેશન એ ભવિષ્ય છે અને ભારત-ઈઝરાયેલ આ ક્ષેત્રમાં સંયુક્ત રીતે કામ કરશે. તેમણે ઉમેર્યું કે, ભારત એ ઈઝરાયેલનો ભરોસાપાત્ર મિત્ર છે. તેમણે ભારતીય બુદ્ધિધનની પ્રસંશા કરતાં કહ્યું કે, વિશ્વના બહુ જૂજ દેશો ચંદ્ર પર પહોંચ્યા છે, જેમાં ભારતનો સમાવેશ થાય છે.
I-Createના ચેરમેન અને એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસે કહ્યું કે, ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાન ઈનોવેશન પર સતત ભાર મૂકી રહ્યા છે અને તેના સકારાત્મક પરિણામો પણ મળી રહ્યા છે. આ તબક્કે તેમણે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી નવી ઔદ્યોગિક નીતિનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, નવી નીતિના કારણે ગુજરાતમાં રોકાણનો પ્રવાહ વધશે. ઇનોવેશનના પરિણામે પ્રજાની સુખાકારીમાં વધારો થશે.
I-Create ના CEO અનુપમ જાલોટે કહ્યું કે, ભારત-ઈઝરાયેલ વચ્ચે સ્ટ્રેટેજિક ઈનોવેશનના ક્ષેત્રે ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં બંને દેશોના રાજદૂતોએ મહત્વની ભૂમિકા ભજવી છે. અનુપમ જાલોટે I-Create ની સ્થાપનામાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વપૂર્ણ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. I-Create એ ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ ઈન્કયૂબેટર છે, જ્યારે SNC એ ઇઝરાયેલની ઈનોવેશન શ્રેત્રે ખ્યાતિપ્રાપ્ત સંસ્થા છે.
આ અવસરે ઈઝરાયેલના કોન્સૂલ જનરલ યાકોવ ફિન્કેસ્ટીન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતના ઈઝરાયેલ ખાતેના રાજદૂત સંજીવ શિંગલા, ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રો. કે. વિજયરાઘવન અને ઇઝરાયેલના ચીફ સાયન્ટિસ્ટ ડો. એમી અપોલબમ પણ વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.