મુંબઈ– બોલીવુડની હીરોઈન એશ્વર્યારાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચનને શુક્રવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયા પછી એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યાને તેમની સાથે ઘર પર હોમ કવૉરાઈન્ટાઈન કરાયા હતા. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ થવાથી તેઓ પહેલેથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયેલા છે.
અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યાને શ્વાસ લેવાની તકલીફ થતી હતી, જેથી ડૉકટર તેમના ઘરે ચેકઅપ માટે ગયા હતા. ત્યાર બાદ ડૉકટરની સલાહ અનુસાર તે બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બચ્ચન પરિવારમાં માત્ર જયા બચ્ચન જ કોરોના નેગેટિવ રહ્યા છે. બાકી ઘરના ચાર સભ્યો કોરોના પોઝિટિવ થયા છે, અને હાલ તેઓ નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન રોજ તેમના ફેન્સને ટ્વીટ કરીને આભાર માની રહ્યા છે, અને ઝડપથી સ્વસ્થ થવા માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વીતેલા શનિવારે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી તેમના ટ્વીટર એકાઉન્ટમાં આપી હતી. તે પછીના દિવસે એટલે કે રવિવારે એશ્વર્યારાય બચ્ચન અને તેમની નાની દીકરી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવી હતી.