અયોધ્યા– અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પર કોરોના સંકટ આવ્યું છે. રામ જન્મભૂમિના પુજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ થયા છે. તેની સાથે સાથે રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોના પોઝિટિવ થયા છે. પ્રદીપ દાસ પ્રધાન પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે, આચાર્ય સત્યેન્દ્ર દાસ કોરોના નેગેટિવ આવ્યા છે.
રામ જન્મભૂમિમાં પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની સાથે સાથે ચાર પુજારી રામ લલ્લાની સેવા કરે છે. જે ચાર પુજારીમાંથી એક પુજારી પ્રદીપ દાસનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. તેમની સાથે 16 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતાં તેમને પણ કવોરેન્ટાઈન કરાયા છે.
અત્રે નોંધનીય છે કે રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજનનો કાર્યક્રમ 5 ઓગસ્ટના રોજ છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 200 લોકો ઉપસ્થિત રહેવાના છે. કોરોનાને કારણે ભૂમિપૂજનના કાર્યક્રમમાં વધારે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. માત્ર પસંદગીના લોકોને જ આમંત્રણ અપાયું છે. પાંચ ઓગસ્ટે ભૂમિપૂજન છે, પણ 3 ઓગસ્ટથી ઉત્સવ શરૂ થઈ જવાનો છે. અયોધ્યામાં હાલ દીવાળી જેવો માહોલ છે. પણ સત્તાવાળાઓ દ્વારા લોકોને ઘરમાં દીવા પ્રગટાવવા કહેવાયું છે. અને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.