અમદાવાદ- અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ નીતિ અનુસાર અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓને તેમણે ભાગ્યશાળી ગણાવ્યા હતા.
હર્ષ સંઘવીએ કહ્યું કે, આજના દિવસે ગુજરાતના 13,748 ગામડાઓ, નગરપાલિકાના 1,113 વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 8,53,385 સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને 2024ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.
સ્પર્ધા દરમિયાન 15 લાખથી વધુ લોકોની સામેલગીરીને ઐતિહાસિક ગણાવી હતી, યોગની આપણી સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. ત્યારે બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃતતા વધે તથા તમામ નાગરિકોની તંદુરસ્તી માટે જરૂરી એવા યોગઅભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર સતત પ્રયત્નશીલ છે. એમ હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.
આજના અવસરે યોગબોર્ડના ચેરમેન શીશપાલજીએ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દૈનિક ધોરણે યોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સૂર્યનમસ્કાર સ્પર્ધામાં 15 લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે. જે આનંદની વાત છે. આ સ્પર્ધા તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે. યોગ અભ્યાસથી સ્વસ્થ રહેનાર વ્યક્તિ રાષ્ટ્રના વિકાસમાં પણ ઉત્તમ યોગદાન આપી શકે છે. એમ તેમણે જણાવ્યું હતું.
આજના કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, સંસ્કારધામના કેમ્પસ ડિરેકટર મનીષભાઈ ઝાલા, યોગબોર્ડના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.