ગાંધીનગર– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને 4 વર્ષમાં કુલ રૂ. 50,000 આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. 25,000 આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો છે.
ગુજરાતની દિકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવાવા પ્રોત્સાહિત કરવા સાથે તેમના પોષણ ની ચિંતા સાથે કન્યા કેળવણીની નેમ પાર પાડવા તેમજ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ બે ઐતિહાસિક યોજનાઓ આ વર્ષ થી શરુ કરવામાં આવી છે. મુખ્યપ્રધાને અમદાવાદની ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા હાઇસ્કુલથી તેનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યભરની 35 હજાર જેટલી પ્રાથમિક-માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા હતાં. મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાનનો શુભેચ્છા સંદેશ વાચી સંભળાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતની નારીશક્તિ અને યુવાશક્તિને જ્ઞાનવર્ધન માટે, માધ્યમિક શિક્ષણ મેળવવા સાથે પોષણ દ્વારા સશક્ત કરવાનો અવસર આ બે યોજનાઓના લોન્ચિંગથી આવ્યો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી યોજના’ની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ધોરણ 9 થી 12 માં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યાઓ પ્રવેશ મેળવે, સાથે-સાથે તેમને પોષણ મળે તે માટે આ યોજનાની શરૂઆત કરી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે. નમો લક્ષ્મી યોજના વિશે તેમણે વધુમાં જણાવ્યું કે, ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી માસિક રૂપીયા 500-500 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા 10 હજાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.
ધોરણ 11 અને 12માં 10 મહિના સુધી માસિક રૂપીયા 750-750 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા 15 હજાર ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. મુખ્યપ્રધાને નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના અંગે કહ્યું કે, રાજ્યના દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તેવો હેતુ આ યોજના શરૂ કરવા પાછળ છે. આ યોજનાની ભૂમિકા આપતા જણાવ્યું કે, આ યોજનામાં ધોરણ 11 અને 12 સાયન્સમાં 10 મહિના સુધી માસિક રૂપીયા 1000 પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા 20 હજાર મળશે, બાકીના રૂપીયા 6 હજાર ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 9, 10માં અને સાયન્સ, કોમર્સ, આર્ટ્સના ધો. 11, 12માં અભ્યાસ કરતી દિકરીઓને ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ મળશે. તેમજ ધો. 12 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ બન્ને યોજનાનો લાભ મળશે. સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ પરિવારની આવક મર્યાદા ધ્યાને લીધા વિના મળશે.
આ બંને યોજનાઓની જાહેરાત રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં કરી છે અને ‘નમો લક્ષ્મી યોજના’ માટે વાર્ષિક રૂ. 1250 કરોડ તથા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ માટે રૂ. 400 કરોડ એમ કુલ રૂ. 1650 કરોડની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે. મોટાભાગે બજેટમાં જે જોગવાઈઓ કે જાહેરાતો થઈ હોય તેના અમલ માટે વહીવટી આંટીઘુંટીમાં ઘણો સમય જતો હોય છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષના બજેટમાં રજૂ થયેલી 88 ટકા જેટલી જોગવાઈઓને વહીવટી મંજૂરી આપી દેવાઇ છે. શિક્ષણ ક્ષેત્રે સતત સુધાર માટે ડબલ એન્જિન સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેના સુખદ પરિણામો આવી યોજનાઓ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા આધુનિક પ્રકલ્પોના અમલથી જોવા મળે છે.
સૌના પ્રયાસોથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે સુવર્ણકાળ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને આ પ્રસંગે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂ. 61 કરોડના લાભોનું વિતરણ કર્યું હતું. તેમણે જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલની બે કમ્પ્યૂટર લેબ અને વિવિધ સ્માર્ટ ક્લાસનો પ્રારંભ પણ કરાવ્યો હતો.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત માટે વિકસિત ભારત@2047ની સંકલ્પનામાં કન્યાઓ-કિશોરીઓની ભૂમિકા સવિશેષ છે. તેમના પોષણ, શિક્ષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી, જેના ભાગરૂપે રાજ્યમાં કન્યા કેળવણી દર ખૂબ જ અસરકારક રીતે સુધર્યો છે. આ કન્યા કેળવણી રથને પ્રગતિના પથ પર આગળ ધપાવતા કન્યાઓના શિક્ષણ અને પોષણની ચિંતા કરતી તેમજ રાજ્યના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે પ્રોત્સાહિત કરતી શિક્ષણ વિભાગની આ બે યોજનાઓ આજે શુભારંભ કરવામાં આવી છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા એ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથ, ગુણોત્સવ સહિતના અનેકવિધ ઉપક્રમો દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આણેલું. એ જ દિશામાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રાજ્યના દીકરા દીકરીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે આજે રૂ. 1650 કરોડની બે નવીન યોજનાઓનો પ્રારંભ થઇ રહ્યો છે.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય સર્વે અમિતભાઈ શાહ અને અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવ, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.