Loksabha Election 2024: EPIC કાર્ડ સિવાય અન્ય 12 દસ્તાવેજોથી કરી શકાશે મતદાન, બીજી તમામ વિગતો જાણો…

ગાંધીનગર- ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. મતદારોને EPIC કાર્ડ સમયસર મળી જાય તે માટે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે.

નવા ઓળખકાર્ડ-EPIC માટે અરજી કરનારા મતદારોને સમયસર EPIC કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે એમ જણાવતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ઉમેર્યું હતું કે, EPIC કાર્ડ ન હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે. પરંતુ, આ માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે. આથી, તેમણે તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ કર્યો હતો.

આદર્શ આચારસંહિતાઃ

તા.16/03/2024થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-135(C) હેઠળ મતદાન વિસ્તારમાં મતદાન પૂરૂ થવાના નિર્ધારિત કલાક સાથે પુરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યના સમગ્ર વિસ્તારમાં મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થતા 48 કલાકનો સમય અને મતગણતરીનો દિવસ એટલે કે તા.04/06/2024ના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા નશાબંધી અને આબકારી નિયામકને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણઃ

લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.16 કરોડ રોકડ, રૂ. 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, રૂ.14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ અને ગાંજો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.22.50 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

ફરિયાદ નિવારણઃ

ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી તા. 16.03.2024 થી સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગ, બ્લોકનં-6, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ – કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાઓના દિવસે પણ કાર્યરત રહેશે. નિયંત્રણકક્ષના ફોન નંબર- (079) 23257791 અને ફોન/ફેક્સ નંબર- (079) 23257792 છે. આ કંટ્રોલ રૂમ ખાતે ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. મતદારોની સગવડ માટે સ્ટેટ કોન્ટેક્ટ  સેન્ટરનો હેલ્પલાઈન નંબર- 1800-233-1014 છે. જે કચેરી સમય દરમિયાન કાર્યરત રહેશે. તે ઉપરાંત, કોઈપણ પ્રકારની ફરીયાદ 1950 (ટોલ ફ્રી નંબર) પર કરી શકાય છે. તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) પર ઑનલાઈન પણ ફરીયાદ કરી શકાય છે.

રાજ્યનો કોઈપણ નાગરિક કોઇપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી C-Vigil (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024થી તા.27/03/2024 સુધી કુલ 588 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

National Grievance Services Portal પર તા.16/03/2024થી આજદિન સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 2,459, મતદાર યાદી સંબંધી 249, મતદાર કાપલી સંબંધી 49 તથા અન્ય 780 મળી કુલ 3,537 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 23 ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 08, રાજકીય પક્ષો લગત 01 તથા અન્ય ચૂંટણી પંચ સંબંધી 07 મળી કુલ 109 ફરિયાદો મળી છે.

ચૂંટણીના સુગમ સંચાલન માટે વ્યવસ્થાઃ

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ સુચનાઓ તથા ચૂંટણી સંચાલનની માર્ગદર્શિકાઓ સમાવતી ચૂંટણી અધિકારી, પ્રિસાઈડિંગ અધિકારી, ઉમેદવારો, મતદાન એજન્ટ તથા મતગણતરી એજન્ટની હેન્ડબુક્સ અંગ્રેજીમાં તથા ગુજરાતીમાં અનુવાદિત કરી છપાવવામાં આવી છે. આ હેન્ડબુક્સની પૂરતી નકલો તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પૂરી પાડવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયા માટે વપરાશમાં લેવાનાર મતકુટિર અને બ્રાસ સીલ જેવા મટીરિયલની ખરીદી તથા વહેંચણીની કામગીરી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ મટીરિયલ રાજ્યના તમામ જિલ્લાના ચૂંટણી તંત્રને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, નિયમાનુસાર ટેસ્ટ રીપોર્ટ આવ્યા બાદ જિલ્લાઓને અવિલોપ્ય શાહીનો પૂરતો જથ્થો પણ ફાળવી દેવામાં આવશે. સમગ્ર મતદાન પ્રક્રિયા માટે ઉપયોગી એવા તમામ પ્રકારના વૈધાનિક તથા બિન વૈધાનિક ફોર્મ્સ જિલ્લા ચૂંટણી તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

મતદાન માટેના વૈકલ્પિક દસ્તાવેજઃ

ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

આવશ્યક સેવાકર્મીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધાઃ

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે તા.19.03.2024 ના જાહેરનામા ક્રમાંક-52/2024/SDR/Vol.I થી વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. આવશ્યક સેવા શ્રેણીમાં સમાવિષ્ટ આ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

પારદર્શી ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સઃ

1. C-VIGIL: C-VIGIL થકી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેના રિયલ ટાઇમ ફોટો/વિડિયો અપલોડ કરીને ટાઈમ-સ્ટેમ્પ સહિતના પુરાવા સાથે ફરીયાદ કરી શકાય છે. GIS આધારિત આ ઍપ દ્વારા ફ્વાઇંગ સ્ક્વોર્ડ આચારસંહિતાના ભંગના ચોક્કસ સ્થળે પહોંચી શકે છે. 100 મિનિટમાં સ્ટેટસ રિપોર્ટ આપતી આ એપ Google Play Store અને Apple App Store બંને પર ઉપલબ્ધ છે.

2. Suvidha Candidate App: ચૂંટણી પંચે ઉમેદવારીપત્રો તથા એફિડેવિટ ભરવાની સુવિધા માટે ઓનલાઈન પોર્ટલ રજૂ કર્યું છે અને ઉમેદવાર https://suvidha.eci.gov.in ની મુલાકાત લઈ તેનું એકાઉન્ટ બનાવી, નોમિનેશન ફોર્મ ભરી, સીક્યુરીટી ડિપોઝીટ જમા કરી, ટાઇમ સ્લોટની ઉપલબ્ધતા તપાસી અને રિટર્નિંગ ઓફિસરની સાથે તેમની મુલાકાતનું યોગ્ય આયોજન કરી શકે છે. એકવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી ભરાઈ જાય, તો ઉમેદવારે માત્ર પ્રિન્ટઆઉટ લેવાની જરૂર રહેશે, તેને નોટરાઇઝ્ડ કરાવી અને સંબંધિત દસ્તાવેજો સાથે રિટર્નિંગ ઓફિસરને રૂબરૂ અરજી સબમિટ કરી શકશે. ઓનલાઈન નોમિનેશન સુવિધા ફાઇલિંગની સરળતા માટે એક વૈકલ્પિક સુવિધા છે. સામાન્ય ઑફલાઇન કાયદા હેઠળ અરજી સ્વિકારવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે. આ ઍપ્લિકેશનથી ઉમેદવાર ઑનલાઇન ઉમેદવારી પત્ર ભરી શકે છે તથા વિવિધ પરવાનગીઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

3. Know Your Candidate (KYC): ભારતના ચૂંટણી પંચની આ એપ દ્વારા ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની વિગતો ચકાસી શકાય છે. આ એપ Google Play Store અને Apple App Store બંને પર ઉપલબ્ધ છે.

4. National Grievances Services Portal: ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલા https://eci-citizenservices.eci.nic.in પોર્ટલ પર નાગરીકો, મતદારો, રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા ફરીયાદો નોંધાવી શકાય છે. તમામ ચૂંટણી અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ, CEO અને ECI અધિકારીઓ આ સિસ્ટમનો ભાગ છે.

5. Voter Portal અને Voter Helpline App (VHA): નાગરિકોની સુવિધા માટે https://voters.eci.gov.in પોર્ટલ તથા Voter Helpline App તૈયાર કરવામાં આવી છે. જેના મારફતે નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા, મતદાર આઈડી કાર્ડ મેળવવા, મતદાર કાર્ડમાં સુધારા માટે અરજી કરી શકે છે. તેમના સંસદીય મતવિસ્તાર, વિધાનસભા મતવિસ્તાર, મતદાન મથકની વિગતો મેળવી શકે છે અન્ય સેવાઓની સાથે બૂથ લેવલ ઓફિસર તથા મતદાર નોંધણી અધિકારીની સંપર્ક વિગતો પણ મેળવી શકે છે. VHA એપ્લિકેશન Google Play અને Apple App Store બંને પર ઉપલબ્ધ છે.

6. Persons with Disability Application (Saksham App): ભારતના ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે ખાસ આ એપ બનાવવામાં આવેલ છે. આ એપની મદદથી દિવ્યાંગ વ્યક્તિ મતદાર તરીકે નોંધણી, દિવ્યાંગ તરીકે નોંધણી, મતદાનના દિવસે વ્હિલચેર કે સ્વયંસેવક (મદદનીશ) ની જરૂરીયાત નોંધાવી શકાય છે. આ એપ Google Play Store અને Apple App Store બંને પર ઉપલબ્ધ છે.

7. Voter Turnout App: આ એપ દ્વારા અંદાજિત મતદાનની વિગતો, વિધાનસભા મતવિભાગ / લોકસભા મતવિભાગ મુજબ જોઇ શકાય છે. આ એપ દ્વારા મિડિયા અંદાજિત મતદાનની વિગતો મેળવી શકે છે. આ એપ Google Play Store અને Apple App Store બંને પર ઉપલબ્ધ છે.

8. Results Website and Results Trends TV: આ વેબસાઇટ પરથી રાઇન્ડવાઇઝ પરિણામની આધારભૂત માહિતી, મતગણતરીના દિવસે પ્રાપ્ત બને છે. ઇન્ફ્રોગ્રાફિક રીતે પરિણામ દર્શાવતી આ વેબસાઇટ https://results.eci.gov.in છે. ટ્રેન્ડ્સ અને પરિણામની વિગતો વોટર હેલ્પલાઇન એપ પર પણ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *