ભોપાલ- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી તેમણે પોતે આપી છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે મારા પ્રિય પ્રદેશવાસીઓ મને કોવિડ-19ના લક્ષણ આવી રહ્યા હતા, ટેસ્ટ પછી મારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી મારા સાથીઓને અપીલ છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તો તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે. મારા નજીકના લોકો કવોરેન્ટાઈનમાં જતા રહે.
શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટમાં લખ્યું છે કે હું કોવિડ-19ની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યો છું. ડૉકટરની સલાહ અનુસાર કવોરેન્ટાઈન રહીશ. મારા રાજ્યની જનતાને અપીલ છે કે તેઓ સાવધાની રાખે, થોડીક પણ અસાવધાની કોરોનાને નિમંત્રણ આપે છે. મે કોરોનાથી બચવા માટે તમામ પ્રયાસ કર્યા હતા, પણ અનેક વિષયોને લઈને લોકો મળવા આવતા હતા.
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું છે કે કોવિડ-19ની સમયસર સારવાર થાય તો તે વ્યક્તિ બિલકુલ સારો થઈ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરતો રહ્યો છું. હવે હું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોનાની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીશ.