નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ આ પહેલની શરૂઆત કરવા માટે દેશભરમાં રાજભવનોમાં આયોજિત કાર્યશાળાઓમાં વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન પોતાના સંબોધનની શરૂઆત વિક્સિત ભારતના વિકાસ માટે આજની કાર્યશાળાના આયોજન માટે તમામ રાજ્યપાલોનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, આજનો દિવસ આ સંકલ્પને લગતો વિશેષ અવસર છે. તેમણે વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં દેશનાં યુવાનોને માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતાં તમામ હિતધારકોને એકમંચ પર લાવવાનાં તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર તેના લોકોના વિકાસથી જ વિકસિત થાય છે. વર્તમાન યુગમાં વ્યક્તિત્વ વિકાસનાં મહત્ત્વ પર ભાર મૂકીને વોઈસ ઑફ યુથ વર્કશોપની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનાં જીવનમાં ઇતિહાસ એક એવો સમયગાળો પ્રદાન કરે છે, જ્યારે દેશ તેની વિકાસલક્ષી સફરમાં હરણફાળ ભરી શકે છે. ભારત માટે, “આ અમૃત કાળ ચાલુ છે” અને “ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે”. તેમણે નજીકના ઘણા દેશોના ઉદાહરણો આપ્યા કે જેમણે નિર્ધારિત સમયમર્યાદામાં આટલો મોટો કૂદકો લગાવ્યો અને વિકસિત રાષ્ટ્રોમાં ફેરવાઈ ગયા. તેમણે કહ્યું હતું કે, “ભારત માટે આ સમય, યોગ્ય સમય છે (યહી સમય હૈ, સહી સમય હૈ)” તેમણે ઉમેર્યું હતું કે, આ અમૃત કાળની દરેક પળનો ઉપયોગ થવો જોઈએ.
વડાપ્રધાને પ્રેરણાના સ્ત્રોત તરીકે સ્વતંત્રતા માટેના ગૌરવશાળી સંઘર્ષનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સત્યાગ્રહ, ક્રાંતિકારી માર્ગ, અસહકાર, સ્વદેશી અને સામાજિક અને શૈક્ષણિક સુધારા જેવા દરેક પ્રયાસો એ સમય દરમિયાન સ્વતંત્રતા તરફ મંડાયેલા છે. આ સમયગાળામાં કાશી, લખનઉ, વિશ્વ ભારતી, ગુજરાત વિદ્યાપીઠ, નાગપુર યુનિવર્સિટી, અન્નામલાઈ, આંધ્ર અને કેરળ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ દેશની ચેતનાને મજબૂત કરી હતી. રાષ્ટ્રની સ્વતંત્રતાને સમર્પિત યુવાનોની એક આખી પેઢી અસ્તિત્વમાં આવી, જેનો દરેક પ્રયાસ સ્વતંત્રતાના લક્ષ્ય તરફ દોરવામાં આવ્યો હતો.
વડાપ્રધાને કહ્યું હતું કે, “આજે, દરેક સંસ્થા અને દરેક વ્યક્તિએ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે દરેક પ્રયાસ અને કાર્ય વિક્સિત ભારત માટે હશે. તમારા લક્ષ્યાંકો, તમારા સંકલ્પોનો ઉદ્દેશ માત્ર એક જ હોવો જોઈએ – વિકસિત ભારત” . પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષકો અને યુનિવર્સિટીઓ ભારતને ઝડપથી વિકસિત દેશ બનાવવાનાં માર્ગો શોધવા પર વિચાર કરે છે તથા વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં સુધારા માટે ચોક્કસ ક્ષેત્રોની ઓળખ પણ કરે છે.
પીએમ મોદીએ ‘વિકસિત ભારત’નાં સામાન્ય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દરેક યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ઊર્જાનો સંચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિચારોની વિવિધતાની નોંધ લઈને વિકસિત ભારતના નિર્માણ માટે તમામ પ્રવાહોને જોડવા પર ભાર મૂક્યો હતો. મોદીએ દરેકને વિકસીત Bharat@2047 વિઝનમાં પ્રદાન કરવા માટે પોતાની મર્યાદાથી આગળ વધવા અપીલ કરી હતી. વધુમાં વધુ યુવાનોને આ અભિયાન સાથે જોડવા માટે દેશની દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં ખાસ ઝુંબેશ ચલાવવાનું સૂચન કર્યું હતું.
વડાપ્રધાન વિકસીત ભારત સાથે સંબંધિત આઇડિયાઝ પોર્ટલ લોંચ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને જાણકારી આપી હતી કે, 5 વિવિધ થીમ પર સૂચનો આપી શકાય છે. “શ્રેષ્ઠ 10 સૂચનો માટે ઇનામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે MyGov પર પણ તમારા સૂચનો આપી શકો છો.” વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વિચારની શરૂઆત ‘આઈ’થી થાય છે, જેવી રીતે ભારતની શરૂઆત ‘આઈ’થી થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસનો વિચાર માત્ર ‘આઈ’થી જ શરૂ થઈ શકે છે.
સંબોધનના સમાપનમાં વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રગતિનો રોડમેપ માત્ર સરકાર જ નહીં, પણ દેશ નક્કી કરશે. “દેશના દરેક નાગરિકના તેમાં ઇનપુટ અને સક્રિય ભાગીદારી હશે.” મોદીએ જણાવ્યું હતું કે, મોટામાં મોટા સંકલ્પો પણ સબ કા પ્રયાસ એટલે કે જનભાગીદારીના મંત્ર દ્વારા પૂર્ણ કરી શકાય છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા અભિયાન, કોરોના રોગચાળા દરમિયાન સ્થિતિસ્થાપકતા અને વોકલ ફોર લોકલનાં ઉદાહરણો ટાંક્યાં હતાં, જેમાં સબ કા પ્રયાસોની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. “વિકસિત ભારતનું નિર્માણ ફક્ત સબ કા પ્રયાસો મારફતે જ થવાનું છે.” મોદીએ આ પ્રસંગે ઉપસ્થિત વિદ્વાનો પાસેથી ઊંચી અપેક્ષાઓનો પુનરોચ્ચાર કર્યો હતો, કારણ કે તેમણે જ દેશનાં વિકાસનાં વિઝનને આકાર આપ્યો હતો અને યુવાશક્તિને દિશા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાપન કરતાં કહ્યું હતું કે, “દેશનું ભવિષ્ય લખવા માટે આ એક મહાન અભિયાન છે.” તેઓ વિકસિત ભારતની ભવ્યતાને વધારવા માટે તેમનાં સૂચનો રજૂ કરે.