અમદાવાદ, તા.27
ગુજકોમાસોલની નવરંગપુરામાં નવી ઓફિસ ઊભી કરવામાં આવી તે પછી રિલીફ રોડનું મકાન અને જમીન વેચી દેવામાં ચેરમેનના લેવલેથી બારોબાર જ બધું પતાવી દેવાના વલણ સામે બોર્ડના અન્ય ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધને શમાવવા માટે ગુજકોમાસોલની ગત સપ્તાહે મળેલી વાર્ષિક સામાન્ય સભામાં તમામ ડિરેક્ટર્સને ભેટ તરીકે સોનાની લગડી આપી હતી. સભાસદોને 15 ટકાથી વધુ ડિવિડંડ આપતા પૂર્વે સરકાર પાસેથી પૂર્વમંજૂરી લેવાની કાયદાકીય જોગવાઈથી ઉપરવટ જઈને સભાસદોને 21 ટકા ડિવિડંડ આપવામાં આવ્યું છે. આ સાથે જ સ્થાપિત હિતોને પોષવા માટે સંસ્થાના હિતના ભોગે મેનેજમેન્ટ દ્વારા દરેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
સહકારી સંસ્થાના મેનેજમેન્ટના મનસ્વી વલણનો છેલ્લો રાષ્ટ્રીયસ્તરનો નમૂનો પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશને પણ વિરોધ નોંધાવ્યો છે. તેથી નિયમ બહાર લેવામાં આવતા દરેક નિર્ણયનો રિઝર્વ બેન્ક અને સહકાર કમિશનરે વિરોધ કરીને કાયદેસર લેવા પાત્ર પગલાં લેવા જોઈએ.
ગુજકોમાસોલના ટોચના મેનેજમેન્ટે આ લહાણી કરી હોવા છતાંય બોર્ડના સભ્યોનો વિરોધ સંપૂર્ણપણે શમ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે ટોચના હોદ્દાદાર સામે સહી ઝુંબેશ ચાલુ કરી હોવાનું અને બોર્ડના ખાસ્સા સભ્યોએ વિરોધ વ્યક્ત કરતાં પત્ર પર સહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ પત્ર હવે પછી કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે અને રિલીફ રોડના મકાનના અને જમીનના સોદામાં ટોચનું મેનેજમેન્ટ કેવું વલણ અપનાવે છે તે પછી રજૂ કરવાનું વલણ વિરોધ કરનારાઓ ધરાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સંભવતઃ બોર્ડના સભ્યોને અપેક્ષિત લાભ મળી જાય તો તેઓ પણ તેનો વિરોધ કરવાનું બંધ કરી દે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
ગુજકોમાસોલની રિલીફ રોડ પર આવેલી ઓફિસ વેચી દેવામાં આવી છે. 320 વાર પ્લોટ અને 2078 ચોરસવારનું બાંધકામ ધરાવતી ઓફિસ માત્ર રૂા. 10.11 કરોડમાં જ વેચી દેવામાં આવી છે. આ મકાન વેચવા માટે રૂા. 9.54 કરોડની અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. તેની સામે 10.11 કરોડ જ ઉપજ્યા છે. આ માટે ટેન્ડર ભરનારી ત્રણ કંપનીઓના માલિકોને નેગોશિયેશન માટે બોલાવ્યા વિના જ સોદો નક્કી કરી દેવામાં આવ્યો હોવાથી હોબાળો મચ્યો છે. સૌથી વધુ ભાવ ભરનારી કંપનીને જ ટેન્ડર આપવામાં આવ્યું છે. છતાં અન્ય ટેન્ડરર્સ સાથે નેગોશિયેશન કરવાની સિસ્ટમને અનુસરવામાં આવી જ ન હોવાની ફરિયાદ છે.
આ સોદા માટે મંગાવેલા ટેન્ડર પણ ચેરમેને એકલા એકલા જ માત્ર બે ડિરેક્ટરની હાજરીમાં ખોલી દઈને બધાં જ ડિલ કરી દેતાં આખું બોર્ડ નારાજ થયું છે. જે બે ડિરેક્ટર્સની હાજરી બતાવવામાં આવી છે તેમણે ટેન્ડર ખોલવાની પ્રક્રિયાને લગતા કાગળ પર સહી પણ કરી નથી. વાસ્તવમાં આ મકાનના વેચાણ માટેની અપસેટ વેલ્યુ-મિનિમમ વેચાણ કિંમત રૂા. 9.54 કરોડની નક્કી કરવામાં આવી હતી. તેમાં 320 વારના પ્લોટ અને 2078 વારના બાંધકામનો સમવેશ થતો હતો. આ માટે ટેન્ડર ઇન્વાઈટ કરવામાં આવ્યા હતા. સાત પાર્ટીઓ ટેન્ડરના ફોર્મ લઈ ગઈ હતી. તેમાંથી ત્રણ પાર્ટીઓએ ટેન્ડર ભર્યા હતા. આ ત્રણ પાર્ટીઓમાં સાયોના ઓ. પ્રાઈવેટ લિમિટેડ, (રૂા. 9.54 કરોડની ઓફર પ્રાઈસ), ઇન્ડિયા સ્ક્રેપ ટ્રેડર્સ (રૂા. 10.11 કરોડની ઓફર પ્રાઈસ) અને ગુજરાત ટ્રેડર્સ (રૂા.9.91 કરોડની ઓફર પ્રાઈસ)એ ટેન્ડર ભર્યા હતા.
ત્રણેય સભ્યએ દસ લાખની અર્નેસ્ટમની ડિપોઝિટ પણ જમા કરાવી હતી. પરંતુ બોર્ડના સભ્યોની જાણ બહાર જ આ સોદો કરી દેવામાં આવ્યો હોવાથી વાઈસ ચેરમેન ગોવિન્દ પરમાર અને ચેરમેન દિલીપ સાંઘાણી આમનેસામને આવી ગયા છે. વાઈસ ચેરમેન ગોવિન્દ પરમારે 19મી જૂને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ગુજકોમાસોલનું રિલીફ રોડ પરનું મકાન વેચવા અંગેનો આખરી નિર્ણય આગામી બોર્ડ મિટિંગમાં ચર્ચાવિચારણા કર્યા બાદ લેવામાં આવે તે અંગે ઘટતી કાર્યવાહી કરવી જરૂરી છે.
વાઈસ ચેરમેને પત્ર લખ્યો હોવા છતાંય ચેરમેને તેમની સત્તાનો ઉપયોગ કરીને ટેન્ડર ખોલી નાખ્યા હોવાનો અને બોર્ડના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ તેમણે મિલકતનો સોદો ફાઈનલ કરી દીધો છે. બોર્ડની મંજૂરી મેળવ્યા વિના જ ચેરમેન દિલીપ સાંઘાણીએ આ સોદો કરી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ટેન્ડર પણ બે સભ્યની હાજરીમાં ખોલ્યા છે. ટેન્ડર ભરનારા બે સભ્યની તો સહી લેવાઈ છે. બેન્કના બોર્ડના જે હાજર સભ્ય હતા તેમની સહીઓ લેવામાં આવી ન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.