અયોધ્યા– રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓગસ્ટના રોજ કરશે. આ કાર્યક્રમને લઈને દેશ અને વિદેશમાં વસતા રામભક્તોમાં અનોરો ઉત્સાહ અને આનંદઉલ્લાસ છવાયો છે. દેશ અને અયોધ્યામાં દીપાવલી જેવો માહોલ સર્જાયો છે. અયોધ્યાએ નવા રંગરૂપ ધારણ કર્યા છે. રામ જન્મ ભૂમિપૂજન કાર્યક્રમમમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી હાલ અયોધ્યાની સીમા(સરહદ) સીલ કરી દેવામાં આવી છે.
કોરોના સંક્રમણને કારણે અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં ખૂબ પસંદ કરાયેલા વીવીઆઈપી, નેતા, ધાર્મિક સંતો અને એડવોકેટને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી કોરોનાની ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન થઈ શકે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય. દેશના લોકો અયોધ્યા જવા ઉત્સુક છે, અને કેટલાય લોકો તો વગર આમંત્રણે અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. આ સંજોગોમાં રામનગરીમાં બહારના લોકો પ્રવેશ ન કરે, તે માટે આઈ કાર્ડ ચેકિંગ વગર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. ચાર ઓગસ્ટની મધ્યરાત્રિથી લખનઉ ગોરખપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જિલ્લાની સીમા બહાર માલવાહક વાહનોની અવરજવરને ડાર્યવર્ટ કરી દેવાયા છે. અયોધ્યાની સરહદ પર કડક ચોકી પહેરો લાગી ગયો છે. અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ સ્થળે પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી બહારની કોઈપણ વ્યક્તિ પ્રવેશી ન શકે.
દેશ અને પ્રદેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે રામ નગર અયોધ્યામાં ભૂમિપૂજનને લઈને વધારે સતર્કતા ગોઠવી દેવાઈ છે. પીએમ મોદીના દરેક કાર્યક્રમ સ્થળ પર એસપીજી કમાન્ડોની ટીમે મુલાકાત લીધી છે. સુરક્ષા વ્યવસ્થા અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ હનુમાન ગઢી અને શ્રીરામ જન્મભૂમિ પરિસર જવાના છે, તે સ્થળને નગરનિગમે સેનેટાઈઝ કર્યું છે.