નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે NEET અને JEE પરીક્ષાના આયોજનની વિરુદ્ધ દાખલ થયેલ અરજી નકારી કાઢી છે. તેની સાથે જ પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE મેઈન્સને સ્થગિત કરવાની માંગ સાથેની અરજીને કાઢી નાંખી છે.
અરજીને કાઢી નાંખતા સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું છે કે શું દેશમાં બધા જ પર પ્રતિબંધ મુકી દેવાય? એક કીમતી વર્ષની આવી રીતે બરબાદ કરી દેવાય? અરજીમાં કોવિડ-19ના વધતાં જતા સંક્રમણને કારણે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત JEE Mains અને NEET UG પરીક્ષાઓને ટાળવાની માંગ કરાઈ હતી.
આ કેસની સુનાવણી કરતાં જજ અરુણ મિશ્રાની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટની બેન્ચ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે જેઈઈ પરીક્ષા પહેલી સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીમાં આયોજીત થવાની છે. તેમજ નીટ પરીક્ષા 13 સપ્ટેમ્બરે કરવાની પ્લાનિંગ છે. આ પરીક્ષાને સ્થગિત કરવાની માંગને લઈને 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થગિત કરવાનો અનુરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.