ગાંધીનગર- ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય પ્રભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત 19 મેડીકલ કોલેજ-હોસ્પિટલ, 18 ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 57 સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 328 સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ 422 આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.
આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ગોઠવવામાં આવેલી ફાયર સેફટીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, અને તેની ચૂસ્તપણે અમલવારી કરવા પણ જણાવવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન આરોગ્ય કમિશનર દ્વારા કરવામાં આવેલા સૂચનો નીચે મુજબ છે:
• આરોગ્ય સંસ્થાઓમાં રચના કરવામાં આવેલ ફાયર સેફ્ટી કમીટીને સમયાંતરે ફાયર સેફ્ટી ઓડીટ કરવી
• ઇલેક્ટ્રીક લોડ મુજબ અનુરૂપ વાયરીંગ છે કે નહીં, તેની ખાતરી કરવી અને પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનીટના સંકલનમાં રહી ઇલેક્ટ્રીકલ ઓડીટ કરાવવુ
• ICU (ઇન્ટેન્સીવ કેર યુનીટ) અને SNCU (સ્પેશીયલ ન્યુબોર્ન કેર યુનીટ) માં વાયરીંગની ખાસ ચકાસણી કરવી
• અશક્ત દર્દીઓ, ICU (ઇન્ટેન્સીવ કેર યુનીટ) અને SNCU (સ્પેશીયલ ન્યુબોર્ન કેર યુનીટ)ના દર્દીઓને તુરંત યોગ્ય સલામત સ્થળે ખસેડવા માટેનું પૂર્વ આયોજન સુનિશ્વત કરવું
• ફાયર એક્ઝીટ સંકેતો (પોસ્ટર) રાત્રીમાં પણ દેખાય તેવા હોવા જોઇએ. આગ લાગે ત્યારે શું કરવુ અને શું ન કરવુ તેના પોસ્ટર લગાવવા.
• ફાયર સેફ્ટીના તમામ સાધનોની સમયાંતરે ચકાસણી કરવી અને સમયમસર રીન્યુ કરાવવા અને તમામ જગ્યાઓ પર જરૂરીયાત મુજબના ફાયર સેફ્ટી સાધનો જરૂરિયાત મુજબ ઇન્સ્ટોલ કરવા
• ફાયર એન.ઓ.સી છે કે નહી તેની સમીક્ષા કરવી અને એન.ઓ.સી સમયસર રીન્યુ કરાવવા. જો સમયમર્યાદા સમાપ્ત થઇ ગઈ હોય તો એન.ઓ.સી તુરંત જ રીન્યુ કરાવવું
• દર માસની ૬ તારીખે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર મોકડ્રીલ અચૂક કરવી
• આરોગ્ય સંસ્થાના તમામ સ્ટાફને ફાયર સેફ્ટી, ફાયર ઉપકરણો બાબતે તાલીમબદ્ધ કરવા અને મોકડ્રીલમાં પણ સહભાગી કરવા
• ગુજરાત ઇંસ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટની માર્ગદર્શીકા મુજબ ફાયર સેફ્ટી ચેકલીસ્ટના તમામ ૩૬-મુદાઓની દરેક આરોગ્ય સંસ્થાઓને તા.30/05/2024ના રોજ હોસ્પિટલ કમીટી દ્વારા ચકાસણી કરાવી, અધ્યતન માહિતી રાજ્ય કક્ષાએ મોકલી આપવી
• પાણીની ઉપલબ્ધતા અથવા પાણીના સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થાની સમયાંતરે ચકાસણી કરવી
• આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝીટ પ્લાનની અમલવારી કરવી
• આગ લાગે ત્યારે બહાર નીકળવાના રસ્તાઓ કોઇપણ અડચણ વગર ખુલ્લા હોવા જોઇએ અને ફાયર એક્ઝીટના દરવાજા બહારની તરફ ખુલે તેવા રાખવા
• આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝીટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓને પણ માહિતગાર કરવા
• આગના બનાવ સમયે તમામ સ્ટાફને પોતાને કરવાની થતી કામગીરી અંગે જાણકારી હોવી જરૂરી છે અને તે અંગે જરૂરી માર્ગદર્શન સંલગ્ન અધિકારીએ નિયત કરવું
• ફાયર સેફ્ટીના સાધનો જેવા કે, સ્પ્રીંકલર, ફાયર એલાર્મ, સેન્સર, ફાયર સેફ્ટી સીસ્ટમ વગેરે માટે પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનીટ અને સંબંધિત ઝોનના ફાયર વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે, તેમ જણાવાયું છે.