ગુજરાત માટે ગૌરવઃ સ્વચ્છતા સર્વેમાં ટોપ ટેનમાં ગુજરાતના 4 શહેરને સ્થાન

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. દેશના પ્રથમ 10 મહાનગરોમાં ગુજરાતના 4 મહાનગરને સ્થાન મળ્યું તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું અને દસમું સ્થાન મેળવ્યું છે તેને મુખ્યપ્રધાને બિરદાવ્યા હતા.

મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતની જનતા, મહાનગરોના મેયર, પદાધિકારીઓ, અધિકારીઓ અને કમિશનરોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હમેશા આગ્રહી હતા. લોકલાડીલા અને ગુજરાતી એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીબાપુના એ આ અભિયાનને સ્વછાગ્રહના જન આંદોલનથી આગળ વધાર્યુ છે. ગુજરાતના બંને સપૂતોની અપીલને ગુજરાતની જનતાએ સ્વીકારી છે અને ગુજરાતના શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ દસમા સ્થાન પામ્યા છે તેનો હર્ષ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, રાજ્યના નગરો ક્લીન અને ગ્રીન સીટી બને તે આવશ્યક છે. ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણ સૌનો ઉત્સાહ વધારનારા બનશે.

આ પ્રસંગે મુખ્યપ્રધાને કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ ગુજરાત સરકારની સ્વચ્છતા સંદર્ભે કામગીરીનો ઉલ્લેખ કર્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *