Gujarat સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ 2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો પ્રારંભ

ગાંધીનગર– મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@2047નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે. આ સંદર્ભમાં વડાપ્રધાને સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્‍સેપ્ટથી યુવાશક્તિને ગ્લોબલ કોમ્પિટીશનમાં આગવી ઓળખ આપી છે.

મુખ્યપ્રધાને ગાંધીનગરમાં એગ્ઝિબિશન સેન્‍ટર ખાતે યોજાઇ રહેલી સ્ટાર્ટઅપ કોન્કલેવ 2023ના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-ઇવેન્ટ તરીકે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ સ્ટાર્ટઅપ કોન્કલેવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ તથા એન્‍જલ નેટવર્ક્સના વિચારો તથા તકોના આદાન-પ્રદાનના એક સક્ષમ પ્લેટફોર્મ તરીકે આ કોન્ક્લેવ ગુજરાતને દેશ વિદેશ સાથે સાંકળતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ તરીકે યોજાઈ રહી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કોન્ક્લેવમાં સહભાગી યુવા અને ઉત્સાહી સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું કે, યુવાઓને પારંપરિક પદ્ધતિના જ્ઞાન-કૌશલ્યથી આગળ વધીને સમયાનુકૂલ ગ્લોબલ પ્રેક્ટિકલ નોલેજ તથા ઇનોવેશન્‍સને વાસ્તવિક સ્વરૂપ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સમયથી બે કદમ આગળનો વિચાર કર્યો છે. આ માટે વડાપ્રધાને 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવેલો છે. આ સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ સિદ્ધિ પાછળ વડાપ્રધાનની દેશના યુવાઓના સામર્થ્યને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાની ગેરંટી છે. તેમણે નયા ભારતના નિર્માણ માટે જે યુવા કેન્દ્રી યોજનાઓ અને સફળ પ્રયાસો કર્યા છે તેમાં ગુજરાત અગ્રણી રહ્યું છે. ગુજરાતે 2016માં સ્ટાર્ટઅપ પોલિસી લાગૂ કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પોલિસીની ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની સફળતાને પગલે SSIP 200થી રૂ. 500 કરોડના પ્રાવધાન સાથે રાજ્યના યુવાછાત્રોના નવાચાર-ઇનોવેશનને ઇન્ડસ્ટ્રીમાં બદલવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ રાજ્ય સરકારે આપ્યું છે તથા સર્વગ્રાહી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરી છે.

ગુજરાત આ સકારાત્મક પ્રયાસોના પરિણામ સ્વરૂપે સ્ટાર્ટઅપ રેન્‍કિંગમાં સતત ત્રણવાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું છે, તેમ પણ તેમણે ગૌરવ સહ ઉમેર્યું હતું. મુખ્યપ્રધાને પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્‍ટ તરીકે આ સ્ટાર્ટઅપ કોન્કલેવ ગુજરાત અને દેશના યુવા સ્ટાર્ટઅપને દુનિયા સાથે જોડવા તેમજ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટે ઉત્તમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતના વેપાર ઉદ્યોગની ઇકોસિસ્ટમને ગ્લોબલ મેપ પર ચમકાવવા 2003થી વાઇબ્રન્ટ સમિટની થયેલી નવતર-ઇનોવેટિવ શરૂઆત આજે વટવૃક્ષ રૂપે વિકસી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન સેમિકન્‍ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રોને ફોકસ કરીને ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે જાન્યુઆરી 2024માં યોજાશે. આ ઉભરતા સેક્ટરમાં પણ યુવા સ્ટાર્ટઅપને પ્રેરિત કરવા વાઇબ્રન્ટ સમિટની આ પ્રિ-ઇવેન્‍ટ કોન્‍ક્લેવ ઉપયુક્ત બનશે. મુખ્યપ્રધાને વડાપ્રધાનના આપેલા વિચાર મંત્ર ‘યહી સમય હૈ, સહી સમય હૈ, ભારત કા અનમોલ સમય હૈ’ નો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

આ અનમોલ સમય એવા અમૃતકાળમાં ઇનોવેશન દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરીને વિકસિત ભારત-ઉન્નત ભારત બનાવવા તેમણે યુવાશક્તિને પ્રેરક આહવાન કર્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે હેલિપેડ ગ્રાઉન્ડ-ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩”નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખર અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્‍દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, આઝાદી બાદ ભારતના ઇતિહાસમાં અત્યારે સૌથી સુવર્ણ અને ઐતિહાસિક સમય ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજીટાઇઝેશન અને ટેકનોલોજીના વિશેષ મહત્વ આપ્યું છે. જેના પરિણામે વર્ષ 2014થી દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમ અને ડિજીટલ ઈકો સિસ્ટમ સતત પ્રગતિ રહી છે. એક સમયે કન્ઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા 9 વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે.

તેમણે ઉમેર્યું કે, વર્ષ 2014 પહેલા ભારતની અર્થ વ્યવસ્થા માત્ર ત્રણ-ચાર ક્ષેત્રોથી પ્રભાવિત હતી, હવે દરેક ક્ષેત્રો દેશની અર્થ વ્યવસ્થા વિકસાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વની સૌથી વધુ ઝડપે વિકસી રહેલી અર્થ વ્યવસ્થા બની છે. આ દાયકો દેશમાં ડિજીટલ અને ટેકનોલોજીની ક્રાંતિનો દાયકો છે. વર્ષ 2026 સુધીમાં ભારતની જીડીપીનો પાંચમો હિસ્સો ડિજીટલ અર્થ વ્યવસ્થાનો હશે. પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજી ક્ષેત્રમાં અનેકવિધ તકો ઉપલબ્ધ બની છે એટલે જ આ સમય સ્ટાર્ટ અપ અને ઈનોવેશન માટેનો શ્રેષ્ઠ સમય છે.

ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ

આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ 2003 માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે દેશના વિભિન્ન રાજ્યો માટે માર્ગદર્શક બની છે. વડાપ્રધાને વર્ષ 2016માં શરુ કરેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ આજે દેશમાં ટેલેન્ટ પુલ કરવાનું કામ કરી રહી છે. આઝાદીના સુવર્ણકાળ એટલે કે વર્ષ 2047 સુધીમાં સ્કીલ યુવાનોનું યોગદાન નયા ભારત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેપિટલ માર્કેટ, રીયલ એસ્ટેટ પછી હવે આઇડિયા માં ઇનવેસ્ટ કરવાનો સમય આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *