ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી- અમદાવાદ સુધીનો 4-લેન એક્સપ્રેસવેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરાશે

ગાંઘીનગર- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની છે, જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની પ્રગતિનું તાજેતરમાં નિરીક્ષણ કરવા ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન)ની મુલાકાત લીધી હતી.

પ્રોજેક્ટનો પહેલો તબક્કો (22.54 ચોરસ કિમી) 95 ટકા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે, જેનાથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણો માટેના નવા માર્ગો ખૂલી રહ્યા છે. મુખ્યપ્રધાને પોતાની આ મુલાકાત દરમિયાન ધોલેરાના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યૂહાત્મક સ્થાન અને સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન હાઈડ્રોજન જેવા ઊભરતાં ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓને હાઇલાઇટ કરી અને ભારતના ટકાઉ અને ટેક્નોલોજી આધારિત વિકાસમાં આ ક્ષેત્રોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. વિકસીત ભારત@2047ના વિઝનને અનુરૂપ ધોલેરાને વિશ્વ કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વિકાસ મોડલ તરીકે સ્થાન આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે.

મોટા કદના રોકાણ ક્ષેત્રો અને ઔદ્યોગિક વિસ્તારોની સ્થાપના, સંચાલન, નિયમન અને વ્યવસ્થાપન પ્રદાન કરવા માટે રાજ્ય સરકારે 2009માં SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) અધિનિયમ ઘડ્યો હતો, જેથી કરીને ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે તેમજ ભારતના ગતિશીલ બિઝનેસ ઇકોસિસ્ટમના વિવિધ ક્ષેત્રો પર ભાર આપવા માટે આર્થિક પ્રવૃત્તિના વૈશ્વિક હબ તરીકે તેમનો વિકાસ કરી શકાય. તેનું ઉત્તમ ઉદાહરણ ધોલેરા છે, જે દેશનું સૌથી મોટા લેન્ડ પાર્સલ સાથેનું ભારતનું પ્રીમિયર પ્લેટિનમ-રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે. તે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ગ્રીન સિટી રેટિંગ પ્રાપ્ત કરનાર વિશ્વના પ્રથમ કેટલાક શહેરોમાંનું એક અને ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ શહેર છે.

અમદાવાદથી આશરે 100 કિમી દક્ષિણે અને ગાંધીનગરથી 130 કિમી દૂર સ્થિત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) એક મુખ્ય ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ હબ બનવાની તૈયારીમાં છે. DSIR, તેના વર્લ્ડ ક્લાસ પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીચા પાવર ટેરિફ સાથે, બિન-પ્રદૂષિત ઉદ્યોગોનું હબ હશે. તેનો ઉદ્દેશ્ય શહેરી વિકાસના સંદર્ભમાં જીવનના ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો અને ટકાઉપણા સાથે આર્થિક અને સામાજિક રીતે સંતુલિત નવા-યુગનું શહેર બનાવવાનો છે.

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) ના વિસ્તારમાં વિકસિત કરવામાં આવનાર ઔદ્યોગિક ક્લસ્ટર્સ અને નોડ્સનો એક લિનિયર ઝોન બનાવવા માટે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NICDC) ની આ એક બેન્ચમાર્ક પહેલ છે. પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે NICDC અને DSIR ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) એ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) તરીકે SPV ની રચના કરી છે. 920 ચોરસ કિમીમાંથી કુલ વિકાસયોગ્ય વિસ્તાર 422 ચોરસ કિમી છે અને 110 ચોરસ કિ.મી. વિસ્તાર ઔદ્યોગિક વિકાસ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. DSIR પ્રોજેક્ટનો પહેલો તબક્કો, એક્ટિવેશન એરિયા તરીકે ઓળખાય છે, જેમાં 22.54 ચોરસ કિમીનો સમાવેશ થાય છે. તેમાં ઉદ્યોગો, રહેણાંક જગ્યાઓ, મિશ્ર-ઉપયોગ, મનોરંજન, સામાજિક માળખાકીય સુવિધાઓ અને પ્રવાસન માટે ફાળવેલ વિસ્તારોનો સમાવેશ થાય છે. 1 એકરથી 330 એકર અને તેથી વધુ સુધીના સંલગ્ન લેન્ડ પાર્સલને આવરી લેતા ઉદ્યોગો માટે જમીનની ફાળવણી શરૂ થઈ ગઈ છે.

પહેલા તબક્કામાં 50 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એક માસ્ટર બેલેન્સિંગ રિઝર્વોઇર (MBR), એલિવેટેડ સર્વિસ રિઝર્વોઇર્સ, 10 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને 20 MLD કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) સહિતની મજબૂત જળ વ્યવસ્થાપન પ્રણાલી પર કામ કરવામાં આવ્યું છે. સિટી ઈન્ટીગ્રેટેડ ઓપરેશન્સ સેન્ટરની દેખરેખ હેઠળ, તે રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક પાણીની જરૂરિયાતોને પૂરી કરે છે, જે શહેરની સ્વ-નિર્ભરતામાં યોગદાન આપે છે.

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી હવાઈમાર્ગ, રસ્તાઓ, રેલવે અને દરિયાઈ માર્ગોથી પણ જોડાણ ધરાવે છે. અમદાવાદ સુધીનો અત્યાધુનિક 4-લેન એક્સપ્રેસવે નિર્માણાધીન છે, જે 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. મેટ્રો રેલના બાંધકામ માર્ગ માટે જરૂરી અધિકાર પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પ્રાદેશિક માલસામાન કોરિડોર, જાહેર પરિવહન કોરિડોર, આંતરિક પરિવહન, બસ રેપિડ ટ્રાન્સપોર્ટ (BRT), અને માસ રેપિડ ટ્રાન્સપોર્ટ (MRT)નો સમાવેશ થાય છે. ભીમનાથ-ધોલેરા ફ્રેટ રેલ લાઇન માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મંજૂર કરવામાં આવ્યો છે, જે DFC દ્વારા કાર્યક્ષમ મુવમેન્ટ (અવર-જવર) ને વધારશે અને દરિયાઈ બંદરોને જોડશે. ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણાધીન છે અને ડિસેમ્બર 2025 સુધીમાં કાર્ગો અવરજવર માટે તૈયાર થઈ જશે. આ એરપોર્ટ વાર્ષિક 300,000 મુસાફરો અને 20,000 ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરશે.

સમર્પિત સેમિકોન સિટી સાથે ભારતના સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉદ્યોગને આગળ વધારવામાં ધોલેરા SIR મહત્વપૂર્ણ છે. રિન્યુ પાવર, જે એક અગ્રણી રિન્યુએબલ એનર્જી પાર્ક ડેવલપર છે, તેઓ 100 એકરમાં સોલાર મોડ્યુલ અને સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિર્માણ કરી રહ્યા છે. ટાટા કેમિકલ્સ લિમિટેડ 126 એકરમાં લિથિયમ-આયન બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ એક્ટિવેશન એરિયામાં ફ્યુઅલ સ્ટેશન અને ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન વિકસાવી રહી છે. ટોરેન્ટ પાવરે ધોલેરામાં ઔદ્યોગિક વીજ જરૂરિયાતોને પહોંચી વળવા પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ઊભું કર્યું છે.

DSIR ના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં 8500 હેક્ટરથી વધુ જમીન સોલાર પાર્ક વિકસાવવા માટે નિર્ધારિત કરવામાં આવી છે. ઊર્જા ક્ષેત્રે, ધોલેરાનો 4400 મેગાવોટનો સોલાર પાર્ક 2030 સુધીમાં 250 ગીગાવોટ ગ્રીન એનર્જીના રાષ્ટ્રીય ધ્યેયને અનુરૂપ ગેમ ચેન્જર પાર્ક છે. તેને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા PPP મોડલ હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 11,000 હેક્ટર જમીન ફાળવી છે. GPCL (ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ) 1000 મેગાવોટ અમલી કરી રહી છે, જેમાં ટાટા પાવર કંપની લિમિટેડે પહેલેથી જ 300 મેગાવોટ કાર્યરત કર્યા છે. રાજ્યની પાવર ટ્રાન્સમિશન કંપની GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ગ્રીડમાં પાવર ઇવેક્યુએશન કાર્યરત છે.

ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ડિફેન્સ, એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, હાઈ-ટેક ઇમર્જિંગ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી તેમજ હેવી એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ ધરાવે છે. DSIR, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC)નું મુખ્ય લાભાર્થી હશે, જેમાં 38% DFC ગુજરાત (565 કિમી)માંથી પસાર થાય છે. તે હાલમાં તેના વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને ટકાઉ વિકાસના મોડ્યુલર અભિગમ સાથે ભારતમાં રોકાણનું એક આદર્શ સ્થળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *