ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક, જાણો શું નિર્ણય લેવાયા?

  • દિપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબાગાળાના સઘન રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન
    • ટ્રાન્ક્વિલાઈઝર ગન પૂરતા પ્રમાણ ખરીદવામાં આવશે
    • દક્ષિણ ગુજરાતમાં તાલુકા દીઠ ૧૦ પાંજરાઓ ખરીદીનું આયોજન
    • ટ્રેપ કેમેરા અને રેડિયો કૉલર દ્વારા દીપડાઓનું ટ્રેકિંગ-વર્તણુંકનો અભ્યાસ કરવામાં આવશે

ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના 69,668.51 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી.

તદઅનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી વ્યારાના ખેરવાડા, ટાપ્તી અને વાજપુર એમ સાત રેન્જના અને અખંડ જંગલની માહિતી, ફ્લોરા અને ફૌનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

મુખ્યપ્રઘાન ભૂપેન્‍દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માનવ જીવન વિકાસ સાથે વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના જતન-સંવર્ધન સાથેના સમન્વિત વિકાસ માટે આપેલા મિશન લાઇફ વિચારને કેન્દ્ર સ્થાને રાખવા આ બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યપ્રધાન સમક્ષ આ બેઠકમાં રાજયના સાત અભયારણ્યમાં અન્‍ડર ગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઇલ ટાવર્સ, રોડ-રસ્તા એમ 15 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. ઘુડખર અભયારણ્ય ઉપરાંત કચ્છ, બાલારામ-અંબાજી, નારાયણ સરોવર, ગીર, જાંબુઘોડા અને શૂરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે.

વનપ્રધાન મુળૂભાઈ બેરા, રાજ્યકક્ષાના પ્રધાન મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ રાજકુમારે આ બેઠકમાં વિવિધ સૂચનો કર્યા હતા.

રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ધર્ષણનાં બનાવો સામે વન વિભાગે લાંબાગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા છે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અગ્ર મુખ્ય વનસંરક્ષક (વન્યપ્રાણી) નિત્યાનંદ શ્રીવાસ્તવે આ સંદર્ભમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તૃત કર્યુ હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંસક દિપડાઓને ટ્રાન્ક્વિલાઈઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્ક્વિલાઈઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તાર પ્રમાણે વધુ ગીચતા હોઇ, માનવ વસ્તી આસપાસ આવી જતાં દીપડાને પકડવા તાલુકા દીઠ 10 પાંજરાઓની ખરીદીનું પણ આયોજન છે.

દિપડાઓની વર્તણુંકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કૉલર કરવાનું કામ પણ વિભાગે કર્યું છે. પાંચ દિપડાઓને રેડિયો કૉલર પણ કરવામાં આવેલા છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમજ તાજેતરમાં પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો તેમણે આપી હતી.

મુખ્ય સચિવ રાજકુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂરના જંગલ વિસ્તારમાં રક્ષિત સ્થાને વસાવી શકાય તે માટે લાંબાગાળાના ઉપાય તરીકે રિહેબીલિટેશન સેન્ટર વન વિભાગના ઊભાં કરે તે દિશાનાં આયોજન અંગે સૂચન કર્યું હતું.

આ બેઠકમાં મુખ્યપ્રધાન અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઑફ ધ ફોરેસ્ટ ફોર્સ યુ.ડી.સિંઘ, અગ્ર સચિવ સંજીવકુમાર, મુખ્ય અગ્ર વનસંરક્ષકો તેમજ બોર્ડના સભ્યો, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, માલતીબહેન મહેશ્વરી, વન્યજીવ સૃષ્ટિ સાથે સંકળાયેલા સંગઠનોના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *