નવી દિલ્હી– ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 10 લાખનો આંકડો પાર કરી ચુક્યા છે. દુનિયામાં આ આંકડો પાર કરનારા દેશોમાં ભારતનો ત્રીજો નંબર છે. દેશમાં કોરોના વાયરસના કેસ ખૂબજ ઝડપથી વધી રહ્યા છે. અને દરરોજ 32થી 34 હજાર કેસ નવા નોંધાય છે. જેમજેમ ટેસ્ટિંગ વધી રહ્યું છે, તેમતેમ દરરોજ પોઝિટિવ કેસનો નવો રેકોર્ડ સર્જાતો જાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ સહિત એવા કેટલાય રાજ્યો છે, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. જે દેશમાં આવનાર સમયમાં કોરોના વાયરસની લડાઈ વધુ મુશ્કેલ થઈ જશે.
દેશમાં મહારાષ્ટ્ર એવું રાજ્ય છે કે જ્યાં કુલ આંકડાના અંદાજે 30 ટકા કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં દરરોજ નવો રેકોર્ડ બની રહ્યો છે. અન હવે તો રોજ 8000 નવા કેસ આવી રહ્યા છે. બીજી તરફ તામિલનાડુ અને કર્ણાટકમાં દરરોજ 4000 કેસ નવો નોંધાય છે.
નોંધનીય છે કે દેશમાં 10 રાજ્યો એવા છે કે જ્યાં કુલ કેસનો સૌથી વધુ હિસ્સો છે. આવા રાજ્યોમાં ચિંતા વધુ થાય તે સ્વભાવિક છે.તેની સામે ટેસ્ટિંગના આંકડા જોઈએ તો હવે દર ત્રણ દિવસે દસ લાખ ટેસ્ટ કરાય છે, તેને કારણે 1 લાખ નવા કેસ આવ્યા છે. એટલે કે દેશમાં હજીસુધી પોઝિટિવિટી રેટ 10 ટકા આજુબાજુનો છે.
કોરોના વાયરસના વધતા કેસોને કારણે ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાલ, કર્ણાટક, તામિલનાડુ જેવા કેટલાક રાજ્યોમાં ફરીથી લૉકડાઉન લદાયું છે. કેટલાક સ્થળોએ દિવસના હિસાબે લૉકડાઉન લગાવાયું છે. તો કેટલીક જગ્યાએ વીંકએન્ડના હિસાબે લૉકડાઉનનો અમલ કરાયો છે. જો દેશમાં કોરોના વાયરસની સ્પીડ જોઈએ તો શરૂઆતમાં એક લાખ કેસ અંદાજે 110 દિવસમાં આવ્યા હતા, પણ તેની પછી સ્પીડ વધી ગઈ છે. હવે પાછલા બે લાખ કેસ માત્ર છ દિવસમાં આવ્યા છે. એટલે કે દર ત્રણ દિવસે એક લાખ કેસ આવે છે. રોજ આવતાં કેસના મામલામાં હવે ફકત અમેકરિકાથી પાછળ છે.