મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી શ્રીજી ચરણ પામ્યા

અમદાવાદ- મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રીજીચરણ પામ્યા છે. તેઓનાં આ સમાચાર બાદ સ્વામીનારાયણ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પુરુષોત્તમપ્રિયદાસજી 78 વર્ષના હતા.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી છેલ્લા ૧૪ દિવસથી શહેરની સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. ગત મંગળવારે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને ફેફસાંની તકલીફ વધવાને કારણે તેઓને વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મુકવામાં આવ્યા હતા અને ગુરુવારે સ્થિતિ ગંભીર બનતા તેઓને પ્લાઝમા થેરાપીનો બીજો ડોઝ પણ અપાયો હતો અને શુક્રવારે સ્થિતિમાં સુધારો થયો નહોતો. 78 વર્ષીય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને 28 જૂને તબિયત કથળતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ફેફસાં નબળા પડી ગયા હતા, અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી  ડોક્ટરોએ વેન્ટિરલેટર સપોર્ટ અને પ્લાઝમા થેરાપીનો ઉપચાર કર્યો હતો. જોકે તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત થતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

નૈરોબી, અમેરિકા અને લંડન સ્થિત હરિભક્તો, સત્સંગીઓમાં પણ શોકની લાગણી ફરી વળી છે. સ્વામીના અંતિમ દશૅન કારોના મહામારી ના લીધે શક્ય ન હોવાને કારણે દરેક હરિભક્તો તેમના ઘરે જ રહીને લાઇવ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, દરેક હરિભક્તોએ સવારે ૭ વાગ્યાથી લઇને ૮:૩૦ વાગ્યા સુધી લાઈવ દર્શન કર્યા હતા. સ્વામીશ્રીની અંત્યેષ્ટિ ક્રિયા સરકારના નિયમો મુજબ આજે બપોરે ૧૨ વાગ્યે કરવામાં આવી હતી.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી ઉત્તરાધિકારી તરીકે સદ્‌ગુરુ જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની જાહેરાત કરવામાં આવી છે. સ્વામીના નિધનના સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *