અમદાવાદના આંગણે યોજાશે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, જાણો કઈ તારીખે…

ગાંધીનગર– ગુજરાત રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં 12 વર્ષથી ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી યોજાયેલા ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો છે.

આ સમગ્ર આયોજન અંગે મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, NBTના પ્રતિનિધિ અમિતકુમાર સિંઘ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા વિગતો આપવામાં આવી હતી.

હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત આગામી તારીખ 30 નવેમ્બરથી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ નેશનલ બુક ફેર હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને પહેલી વખત અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે યોજાશે અને સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વ સાહિત્યનું સરનામું બની રહેશે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બુક ફેસ્ટિવલના ઉદ્ધાટન માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર આયોજનમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત એક હજારથી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બનશે.

પુસ્તકોના રસથાળની સાથોસાથ અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુ.એ.ઈ. જેવા દેશોના વક્તાઓ તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે. જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હલાન, રામ મોરી, ઇ. વી. રામાકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરિમ્પલ, ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિન, મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા અને મેટ્ટ જ્હોન્સન જેવા ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકારો, લેખકો અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે, માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. https://forms.gle/craAgWAgEJRHhPcb7 લિંક પર રજિસ્ટ્રેશન કરીને બુક ફેસ્ટિવલ અંતર્ગત યોજાનારા વિવિધ સાહિત્યિક – સાંસ્કૃતિક કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકાશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનાં વિવિધ આકર્ષણો

– 147 પ્રદર્શકો(પ્રકાશકો, ડિસ્ટ્રીબ્યુટર્સ, પુસ્તક વિક્રેતા)ના 340 સ્ટોલ
– અંદાજિત 3,25,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આયોજન
– 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો
– 30 નવેમ્બરે વિખ્યાત વક્તા ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિનનું સેશન
– 2 ડિસેમ્બરે મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા, ૫મી ડિસેમ્બરે મેટ્ટ જ્હોન્સન, ૭મી ડિસેમ્બરે વિલિયમ ડેલરિમ્પલ શ્રોતાઓ સાથે સંવાદ સાધશે
– 2 ડિસેમ્બરે ગુજરાતી સાહિત્ય પર વાર્તાની વાર્તા પેનલ ડિસ્કશનમાં રાઘવજી માધડ અને રામ મોરી શ્રોતાઓને સંબોધશે
– 4 ડિસેમ્બરે ‘હાસ્ય તરંગ’ પેનલ ડિસ્કશનમાં રતિલાલ બોરીસાગર, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની ઉપસ્થિતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *