ગાંધીનગર-ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ RTE પ્રવેશ માટે ઑનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઑનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઑનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે જો RTE પ્રવેશ માટે ઑનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજૂર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.
પ્રવેશ માટે તા. 7-8-2020ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી. ઑનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પૂરાવા અરજદારો એકઠા કરી શકે તે માટે તા.7/8/2020થી તા.18/08/2020 સુધીનો કુલ 11 દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઑનલાઈન ફોર્મ ભરવા માટે તા. 19/08/2020થી તા. 29/08/2020 સુધીનો કુલ 10 દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ, જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરી ફોર્મ ભરવા માટે એકંદરે કુલ 23 દિવસ જેટલો સમય વાલીઓને આપવામાં આવ્યો છે.
ચૂડાસ્માએ ઉમેર્યુ હતુ કે, આ સમયગાળા દરમિયાન ઑનલાઇન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ http://rte.orpgujarat.com ઉપર વાલીઓ દ્વારા કુલ ૨,૦૪,૪૨૦ જેટલી અરજીઓ સબમીટ થઇ છે. જે પૈકી, આજની તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએથી ૧,૧૯,૬૯૭ અરજીઓ એપ્રુવ અને ૨૪,૦૪૫ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તે ઉપરાંત ૪૧,૭૮૮ અરજીઓ વાલીઓ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. જ્યારે ૧૮,૮૯૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. અરજીઓની ચકાસણીની કામગીરી તા.7/9/2020 સુધી કરવામાં આવનાર છે અને RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.11/9/2020ના રોજ જાહેર કરવામાં આવશે.