અમદાવાદ- અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના આઈસીયુમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં કોરોના પોઝિટિવ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ-19 સેન્ટર બનાવ્યું હતું. તેના ચોથા માળે આવેલ આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ પ્રમાણે શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. અને મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે અને ઘાયલોને 50 હજારની સહાય કરાશે. સીએમ વિજય રૂપાણીએ તપાસના આદેશ આપી દીધા છે. એડિશન મુખ્ય સચિવ સંગીતા સિહની આગેવાની હેઠળ ટીમ 3 દિવસમાં તપાસ કરીને રીપોર્ટ સોંપવા કહેવાયું છે.
જાણકારી મળ્યા મુજબ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં રાત્રીના 3.30 વાગ્યે આગ લાગી હતી. જેમાં આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. આ અગ્નિકાંડમાં 8 દર્દીના મોત થયા છે, જેમાં 5 પુરુષો છે અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. કોવિડના 49 દર્દીઓને રેસ્કયૂ કરીને એસવીપી હોસ્પિટલમાં શીફટ કરી દેવાયા છે, અને ત્યાં તેમની સારવાર ચાલુ કરી દેવાઈ છે. ઘટનાની જાણ થતા અમદાવાદના મેયર બિજલ પટેલ અને કમિશનર મુકેશ કુમાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે સૌથી પહેલા આવીને આગ બુઝાવી હતી અને બચી ગયેલા અન્ય દર્દીઓને રેસ્કયૂ કરીને ખસેડ્યા હતા. એફએસએલની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. છેલ્લા સમાચાર મુજબ નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતની અટકાયત કરી છે.