ગાંધીનગર– ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.
મુખ્યપ્રધાને શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્યદીઠ વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને આ હેતુસર કુલ 86 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ શહેરીજન સુખાકારીની વૃદ્ધિ કરતા નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે. એટલું જ નહીં, માર્ગોની સુધારણા, મજબૂતીકરણને પરિણામે અર્બન મોબોલિટીમાં પણ સુગમતા રહેશે.
મહાનગરપાલિકાઓએ સંબંધિત ધારાસભ્યોના પરામર્શમાં રહીને આ ગ્રાન્ટમાંથી કામો હાથ ધરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.