ગાંધીનગર– વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે ગુજરાત સરકાર એક્સપોર્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્યનું નેતૃત્વ દર્શાવવા માટે પ્રી-સમિટની શ્રેણીનું આયોજન કરી રહી છે. આ જ રીતે તમામ વિકસતા ક્ષેત્રો પ્રત્યે સમાન અભિગમ દર્શાવવા માટે, 11 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં સાયન્સ સિટીમાં ‘ધ પાથ ઓફ ઈનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત’ (વિકસિત ભારત માટે નવીનીકરણ અને કલ્યાણનો માર્ગ) થીમ પર આધારિત બાયોટેક્નોલોજી ક્ષેત્રે એક પ્રિ-સમિટ યોજાશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે તેમજ ‘રાષ્ટ્રીય અને ગુજરાત આધારિત બાયોટેક સ્ટાર્ટઅપ્સ’ ને પ્રદર્શિત કરતા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. સરકારના અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રધાન ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર (IAS), ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર (IAS), ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના બાયોટેક્નોલોજી વિભાગના સચિવ ડૉ. રાજેશ ગોખલે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, બાયોટેકનોલોજી એ ભારતના 5 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્રના લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે મુખ્ય પરિબળ છે. છેલ્લા 8 વર્ષોમાં આ ક્ષેત્રમાં 8 ગણો વધારો થયો છે, એટલે કે તે 10 બિલિયન યુએસ ડોલરથી વધીને 80 બિલિયન યુએસ ડોલરનું ક્ષેત્ર થયું છે, અને બાયોટેક સ્ટાર્ટઅપ્સની સંખ્યા પણ 50થી વધીને 5300 થઇ છે, જે એ વાતનો પુરાવો છે કે બાયોટેક્નોલોજી આજે એક ઉભરતું ક્ષેત્ર છે. ઈન્વેસ્ટ ઈન્ડિયાના ડેટા અનુસાર, બાયોફાર્માસ્યુટિકલ્સ એ સૌથી મોટો સેગમેન્ટ છે, જે ભારતીય બાયોઈકોનોમીમાં 62% ફાળો આપે છે, ત્યારબાદ બાયો-એગ્રીકલ્ચર 13%, બાયો ઈન્ડસ્ટ્રી 15% અને બાયોઆઈટી અને બાયોસેવા 10%નો ફાળો છે.
બાયો સેવાઓ અને ઔદ્યોગિક બાયોટેક સેગમેન્ટ્સ, જે 2020 માં ઉદ્યોગના સંયુક્ત 22% માટે જવાબદાર છે, તેમાં ઝડપી દરે વૃદ્ધિની અપેક્ષા છે. આ પ્રી-સમિટ ઈવેન્ટનો ઉદ્દેશ વિકસીત ભારત@2047ના વિઝનને અનુરૂપ આ વૃદ્ધિને આગળ વધારવાનો છે અને ગુજરાતને બાયોટેકનોલોજીનું હબ બનાવવા માટે આ ક્ષેત્રમાં રોકાણ આકર્ષિત કરવાનો છે.
બાયોટેક-સમિટ’ બાયોટેકનોલોજી ક્ષેત્રના અંદાજે 350 હિતધારકોને એકસાથે લાવશે, જેમાં અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાયોટેક કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટ-અપ્સ, ફેકલ્ટીઓ, સંશોધકો, સંશોધન સહયોગીઓ અને બાયોટેક ક્લસ્ટરની સંબંધિત કંપનીઓ અને એજન્સીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત એ એક દ્વિવાર્ષિક ગ્લોબલ બિઝનેસ સમિટ છે, જે 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતમાં યોજાવાની છે. આ સમિટે છેલ્લા 20 વર્ષોમાં રોકાણની તકોને એક્સપ્લોર કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે બિઝનેસીસ અને સરકારો માટે પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ તરીકે સેવા આપી છે.