ગાંધીનગર– ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યુ ડેવલપમેન્ટ બેન્ક-NDB ( New Development Bank ) પાંચસો મિલિયન ડોલરની લોન આપશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ વચ્ચે આ અંગેના પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. ( CM Gram Sadak Yojana in Gujarat )
ગ્રામીણ માર્ગોના સુદ્રઢીકરણ તથા રોડ નિર્માણમાં નવી ટેકનોલોજી અપનાવવા, પર્યાવરણ સુરક્ષા અને સલામત રોડ ડિઝાઇન માટે રાજ્યના માર્ગ મકાન વિભાગને એનડીબી નોલેજ સપોર્ટ આપશે. NDB દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગને જુદા જુદા અંદાજે 1,200 કિલોમીટર લંબાઈમાં જીઓ સિન્થેટીક, જીઓ ટેક્ષટાઇલ, જીઓ ગ્રીડ, લાઇમ સ્ટેબિલાઇઝેશન વગેરેનો માટે સપોર્ટ કરાશે. એટલું જ નહીં, પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ બારમાસી રોડનું બાંધકામ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં NDBના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત વ્લાદીમીર કાઝબેકોવ અને ન્યૂ ડેવલોપમેન્ટ બેંકના ઇન્ડીયન રિજીયન ઓફિસના ડીરેક્ટર જનરલ ડી.જે.પાંડિયને ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન, ક્લાયમેટ ફાયનાન્સીંગ તથા સર્વિસીઝ સેક્ટર્સ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
મુખ્યપ્રધાનના મુખ્યઅગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, જે.પી.ગુપ્તા, વરિષ્ઠ સચિવો અને NDB તથા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવ અને અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતાં.