PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંણદ અને ધોલેરામાં સેમીકંડકટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રૂ. 1,18,000ના રોકાણની યોજના સાથે અંદાજે 50,000 રોજગારીનું સર્જન થશે

અમદાવાદ/ગુવાહાટી-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરામાં અત્યાધુનિક સેમીકંડક્ટર હબ તથા આસામનના મોરિગાંવના જાગીરોડમાં સેમીકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓએસએટી) સહિત બે સુવિધાઓ માટે વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન દ્વારા શિલાન્યાસ કર્યો હતો.

ધોલેરામાં શિલાન્યાસ વિધિમાં રેલવે, કમ્યૂનિકેશન્સ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, ટાટા સન્સના પ્રેસિડેન્ટ અંકુર વર્મા અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. રણધીર ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. આસામમાં જાગીરોડથી વિધિમાં આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્માએ ભાગ લીધો હતો. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ, જલ શક્તિ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે વર્ચ્યુઅલી ઇવેન્ટમાં હાજરી આપી હતી. શિલાન્યાસ વિધિ ટાટા ઇલેક્ટ્રોનિક્સના મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ સાહસમાં એક મહત્વની સિદ્ધિ છે.

ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે “આજે ટાટા ગ્રુપ માટે ખરેખર એક વિશેષ દિવસ છે જેમાં ધોલેરા અને જાગીરોડથી 2,500 કિમી દૂર અમારા પ્રોજેક્ટ્સની એક સાથે શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. આ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સમગ્ર દેશ માટે એક મોટી અસર ઊભી કરશે. સમગ્ર વિશ્વની ઇકોસિસ્ટમ તેના પસંદગીના સેમીકંડક્ટર ડેસ્ટિનેશન તરીકે ભારતને ઊભું કરવા માટે એકત્રિત થશે. આ ઐતિહાસિક પ્રસંગે હું આપણા દેશમાં સેમીકંડક્ટર ઉદ્યોગ લાવવાના તેમના અનેરા વિઝન માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું.”

ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. રણધીર ઠાકુરે ઉમેર્યું હતું કે “અમે ભારત સરકાર, ગુજરાત સરકાર અને આસામ સરકારનો આભાર માનીએ છીએ. આજનો કાર્યક્રમ ભારતના ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારતની અમારી ઐતિહાસિક સફરને નોંધપાત્ર વેગ આપે છે.”

ગુજરાતના ધોલેરામાં ભારતનો પ્રથમ એઆઈ-એનેબલ્ડ સેમીકંડક્ટર ફેબ

ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમીકંડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી વિશ્વની અગ્રણી સેમીકંડક્ટર કંપનીઓમાંની એક તાઇવાનની પાવર સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (પીએસએમસી)ના સહયોગથી વિકસાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત અને રૂ. 91,000 કરોડ સુધીના રોકાણ સાથે ભારતની પ્રથમ એઆઈ-એનેબલ્ડ ફેબ 20,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્કીલ્ડ જોબ્સનું નિર્માણ કરે તેવી સંભાવના છે.

નવી સેમીકંડક્ટર ફેબ ઓટોમોટિવ, કમ્પ્યૂટિંગ અને ડેટા સ્ટોરેજ, વાયરલેસ કમ્યૂનિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા બજારોમાં વધતી માંગને સંતોષવા પાવર મેનેજમેન્ટ આઈસી, ડિસ્પ્લે ડ્રાઈવર્સ, માઇક્રોકંટ્રોલર્સ (એમસીયુ) અને હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યૂટિંગ લોજિક જેવી એપ્લિકેશન્સ માટે ચિપ્સનું ઉત્પાદન કરશે. મહિને 50,000 સુધીની વેફર્સની ઉત્પાદન ક્ષમતા સાથે આ ફેબ ભારતને ગ્લોબલ સેમીકંડક્ટર ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વના સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે સ્થાપિત કરે છે.

આસામના મોરીગાંવના જાગીરોડમાં સેમીકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓએસએટી) ફેસિલિટી

ટાટા ઇલેક્ટ્રોનિક્સની આધુનિક સેમીકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓએસએટી) ફેસિલિટી આસામના જાગીરોડમાં આવેલી છે. આ ફેસિલિટી રૂ. 27,000 કરોડના રોકાણની યોજના સાથે વિકસાવવામાં આવી રહી છે અને 27,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરે તેવી સંભાવના છે જે ગુવાહાટી શહેરની નજીક વ્યૂહાત્મક રીતે આવેલી છે.

સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ એ સેમીકંડક્ટર વેલ્યુ ચેઈનનો મહત્વનો ભાગ છે જ્યાં સેમીકંડક્ટર ફેબ્સ દ્વારા ઉત્પાદિત વેફર્સનું એસેમ્બલિંગ કે પેકેજિંગ કરવામાં આવે છે અને પછી તેનું ટેસ્ટિંગ કરીને આખરે ઇચ્છિત પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફેસિલિટી વાયર બોન્ડ, ફ્લિપ ચિપ અને ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ પેકેજિંગ (આઈએસપી) જેવી મહત્વની પ્લેટફોર્મ ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ટેક્નોલોજીઓ ઓટોમોટિવ, કમ્યૂનિકેશન્સ, કમ્પ્યૂટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જેવી વિશ્વભરની મહત્વની એપ્લિકેશન્સ માટે નિર્ણાયક છે. આ ફેસિલિટી ઉત્તર-પૂર્વ ભારતના ઔદ્યોગિકીકરણ માટે નિર્ણાયક સાબિત થશે.

ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તૈયાર કરાનારી નવી ફેસિલિટીઝ આધુનિક સેમીકંડક્ટર ટેક્નોલોજીઓ, એડવાન્સ્ડ સ્કીલ સેટ અને ટેલેન્ટ તથા સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાયર્સ તથા ઇકોસિસ્ટમ પાર્ટનર્સના નેટવર્કનો પોર્ટફોલિયો લાવશે જેના પગલે ભારતમાં સ્વદેશી સેમીકંડક્ટર ઇકોસિસ્ટમના વિકાસનો પાયો નંખાશે. સ્વદેશી સેમીકંડક્ટર ઉદ્યોગના વિઝનમાં 1,00,000થી વધુ સ્કીલ્ડ જોબ્સ ઊભી કરવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *