ગાંધીનગર– છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ, ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે. તે રાજ્યની પ્રગતિનો આંક દર્શાવે છે. વીજ વપરાશ માં અનેક ઘણો વધારો થયો છે આમ છતાં દરેકને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 2002માં રાજ્યની મહત્તમ વીજમાં 7,743 મેગાવોટ હતી જે વર્ષ 2023 માં વધીને 24,544 મેગાવૉટ થઈ છે.
વિધાનસભા ગૃહમાં અદાણી પાવર લિમિટેડ સાથે 2007માં થયેલ બીડ સહિત વીજ ખરીદી અંગેના પ્રશ્નોનો ઉત્તર આપતા ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે એટલે કે ઓછા ભાવ મુજબ પ્રયોરીટી હોય છે. વીજ ખરીદીને આ પ્રક્રિયામાં GSECL રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી કંપનીઓ, આયાત, તેમજ બિન પરંપરાગત સ્ત્રોતો મારફત વીજળી ખરીદી કરવામાં આવે છે.
ઉર્જા મંત્રીએ ખાનગી પ્રોજેક્ટમાંથી વીજ ખરીદી કરવાના કારણોની વિગતો આપતા કહ્યું કે, વર્ષ 2002માં રાજ્યની મહતમ વીજ માંગ 7,743 મે.વો હતી, જે વર્ષ 2023માં વધીને 24,544 મે.વો. થઈ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યની મહતમ વીજ માંગમાં 3 ગણો વધારો થયો છે. જે વીજ ક્ષેત્રની સાથે સાથે સમગ્ર રાજ્યની પ્રગતિ દર્શાવે છે. અગાઉ ખેતીવાડી વીજ જોડાણો માટે ખેડૂતોને 15 વર્ષ જેટલી રાહ જોવી પડતી હતી અને લાંબુ વેઇટિંગ હતું જ્યારે હાલમાં ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે 3 થી 6 માહિનામાં વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે,ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી તેમજ શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો (Ease of Living) થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2003માં 953 યુનિટ હતું, જે વર્ષ 2013માં માથા દીઠ વપરાશ 1800 યુનિટ થયું હતું અને આજે 2023માં બે ગણાથી વધુના વધારા સાથે 2402 યુનિટ થયું છે, એટલુ જ નહીં પરંતુ સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ (1255 યુનિટ) કરતાં લગભગ બમણું છે. આમ વધતી જતી વીજમાંગને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વીજળી ખરીદવી પડે છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ લોકોની માંગણી આવી કે સાંજના સમયે વાળું ટાણે તો વીજળી આપો ત્યારે રાજ્ય દ્વારા તમામ ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ વીજ પુરવઠો ઉપલબ્ધ કરવાના હેતુથી જ્યોતિગ્રામ યોજનાનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજયના વિકાસમાં ગામડાઓ પણ સહભાગી બન્યા છે. રાજ્યની maximum demand માં વર્ષ 2017 (૧૭૦૯૭ મેગાવોટ) થી 2023 (૨૪૫૪૪ મેગાવોટ) સુધીમાં 43.5 ટકા નો તથા રાજ્યના વાર્ષિક વીજ વપરાશમાં વર્ષ 2017 (૮૬૫૯૧ મિલિયન યુનિટ્સ) થી વર્ષ 2023 (૧૨૩૦૩૨ મિલિયન યુનિટ્સ) સુધીમાં 41.28 ટકા નો વધારો થયો છે.
તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની વર્ષ 2006ની નેશનલ ટેરિફ પોલિસી મુજબ અને સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરીટી, ભારત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક પાવર સર્વેના રિપોર્ટ મુજબની અંદાજિત વીજ માંગને ધ્યાને લઈને,રાજ્યની ભવિષ્યની વીજમાંગને પૂરી પાડવા માટે, રાજ્ય દ્વારા બિડિંગ પ્રક્રિયા થકી સૌથી ઓછો દર બિડ કરેલ હોય તેવા ખાનગી વીજ ઉત્પાદકો સાથે વીજ કરાર કરવામાં આવેલ છે જે વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. રાજ્યની કુલ પરંપરાગત સ્ત્રોતની વીજ ક્ષમતામાં આયાતી કોલસા આધારિત ખાનગી વીજ મથકોની વીજ ક્ષમતાનો 25 ટકા જેટલો ફાળો છે.
સપ્ટેમ્બર 2021 બાદ આયાતી કોલસા તથા ગેસના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અતિશય ભાવ વધારો થવાના કારણે વીજ પ્રોજેક્ટ દ્વારા પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા અને સમગ્ર દેશમાં વીજ ઉપલબ્ધતા સંબંધિત મુદાઓ ઉદભવ્યા હતા. આયાતી કોલસા આધારિત આ ખાનગી વીજ મથકોનું સંચાલન વધતી જતી વીજ માંગને પહોંચી વળવા માટે જરૂરી છે. ઉપરોક્ત પાવર પ્લાન્ટની કામગીરી ન થવાથી લોડ શેડિંગ થઈ શકે તેમ હતી, આ વિકટ પરિસ્થિતિ દરમ્યાન રાજ્યમાં વીજ કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તથા રાજ્યના ખેતીવાડી ક્ષ્રેત્ર સહિતના તમામ ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે વિવિદ્ય સ્ત્રોતમાંથી વીજ પુરવઠો મેળવવામાં આવ્યો હતો. જેમાં પાવર એક્ષ્ચેન્જમાંથી વીજ ખરીદી,ઓક્ટો.થી ડીસે.-2021 દરમ્યાન 500 મે.વો શોર્ટ ટર્મ માટેનો વીજ ખરીદ કરાર ,ઓક્ટો.-2021 થી જુલાઈ-2023 – ૧૦૦૦ મે.વો મીડીયમ ટર્મના વીજ ખરીદ કરાર, કેન્દ્રિય વીજ મથકોમાંથી અન-રીકવીઝીશનડ પાવર સપ્લાય (URS) માંથી વીજ ખરીદી, કેન્દ્રિય વીજ મથકોમાંથી અન એલોકેટેડ પાવરના એલોકેશન માંથી વીજ ખરીદી,ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા ભારતના તમામ આયાતી કોલસા આધારિત જનરેટર્સને વીજળી ઉત્પન્ન કરવા અને સપ્લાય કરવા માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 11 હેઠળ નિર્દેશ જારી કરવામાં આવેલ છે. આમ, વિકટ પરિસ્થિતિમાં જયારે અન્ય રાજ્યો દ્વારા તીવ્ર ખોટના કારણે લોડ શેડીંગ કરવામાં આવેલ ત્યારે ગુજરાત દ્વારા ઉપરોક્ત તમામ વિકલ્પો થકી પુરતી વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં, ખેતીવાડી ક્ષ્રેત્રે પણ પુરતો વીજ પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
ઉર્જા મંત્રીએ ઉમેર્યું કે,ખાનગી પ્રોજેક્ટના માલિકીપણાને ધ્યાનમાં લીધા સિવાય GERC દ્વારા જાહેર કરવામાં આવેલ પદ્ધતિ અનુસરતા મેરિટ ઓર્ડર મુજબ જ વીજળી ખરીદવામાં આવે છે. આમ જ્યારે જરૂરિયાત મુજબની વીજળી મેરિટ ઓર્ડર અનુસરતા અદાણી પાવરનો ક્રમ આવે ત્યારે જ ખરીદવામાં આવી છે.ઓકટો.-2022માં જ્યારે આયાતી કોલસાનો ભાવ અંદાજિત 331 યુએસ ડોલર/મેટ્રિક ટન (GCV-6322) હતો અને એનર્જિ ચાર્જ રૂ.8.54/યુનિટ હતો ત્યારે 323 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જ્યારે ઓકટો.-2023માં આયાતી કોલસાનો ભાવ અંદાજિત 124 યુએસ ડોલર/મેટ્રિક ટન(GCV-6322) હતો અને એનર્જિ ચાર્જ રૂ.3.98/યુનિટ હતો ત્યારે 1494 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. આમ, જ્યારે આયાતી કોલસાનો ભાવ વધારે હોય છે ત્યારે એનર્જી ચાર્જનો દર વધુ હોય છે અને વીજળી ઓછી ખરીદવામાં આવેલ છે અને જ્યારે આયાતી કોલસાનો ભાવ ઓછો હોય છે ત્યારે એનર્જી ચાર્જનો દર પણ ઓછો હોય છે અને તે સમયે વીજળી વધુ ખરીદવામાં આવે છે.
તેમણે કહ્યું કે, વર્ષ 2017માં ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના લગભગ 32 ટકા જેટલી વીજળી ખરીદવામાં આવી હતી. જ્યારે 2023માં ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના લગભગ 16 ટકા જેટલી વીજળી ખરીદવામાં આવી છે. 2017 થી 2023 સુધીમાં સોલર જનરેશનમાં ચાર ગણા જેટલો વધારો થયો છે. (2017માં – 2048 Mus થી વધીને 2023 સુધીમાં – 8077 Mus)
રાજ્ય સરકારે સ્થાપિત ક્ષમતામાં ગુજરાતની સ્થિતિની વિગતો આપતા મંત્રી એ કહ્યું કે, રિન્યુએબલ ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં 21,977 મેગાવોટ (ડિસે.23) સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં 11,224 મેગાવોટ (ડિસે.23) સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે અને સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં 10,549 મેગાવોટ (ડિસે.23) સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. રાજ્યની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો 21,977 મેગાવોટ સાથે 47 ટકા જેટલો છે. સોલર રૂફટોપમાં દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના 30 ટકા ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ નંબરે છે. વધુમાં રહેણાક હેતુના રૂફટોપ સ્થાપન ક્ષેત્રે 82 ટકા હિસ્સો ધરાવે છે. અત્યાર સુધીમાં રાજયમાં રહેણાક હેતુનું વીજ જોડાણ ધરાવતા 5 લાખથી વધુ વીજ ગ્રાહકોએ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવેલ છે, જેની ક્ષમતા 2025 મેગાવોટ છે અને આ વીજગ્રાહકોને વીજ બિલમાં રૂ. 2000 કરોડ જેટલી બચત થયી છે તથા સ્વવપરાશ ઉપરાંતની વીજળીને વેચીને રૂ.228 કરોડ જેટલી કમાણી કરી છે.
ઉર્જા મંત્રી શ્રી એ ઉમેર્યુ કે,રાજ્યમાં રિન્યૂએબલ ક્ષમતા વધે તે માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યું છે. આ વર્ષે 9500 મેગાવોટ રિન્યૂએબલ વીજળી ખરીદવા માટે PPA કર્યા છે અને 2500 મેગાવોટના ટેન્ડર invite કર્યા છે જે વીજળી પણ એકાદ વર્ષમાં આવી જશે. આમ ,રિન્યૂએબલ વીજળીનો વધુને વધુ ઉપયોગ થાય અને કોલસા આધારિત વીજળીના વપરાશમાં ક્ર્મશ: ઘટાડો થાય તે મુજબનું આયોજન છે.