ગાંધીનગર– મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2024 સુધી ઉત્તરાયણ ( Uttarayan 2024) પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ( Makar Sankranti 2024 )
મુખ્યપ્રધાને આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સરે રૂમ તથા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યપ્રધાને વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી.
વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવ એ કહ્યું કે, ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. 2017 થી ચાલી રહેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.
મુખ્યપ્રધાનના આ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો, કાઉન્સિલરો તેમજ ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવ, નાયબ વન સંરક્ષકો અને વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2024 દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાઈ રહ્યું છે.
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.
તદ્દઅનુસાર, વોટ્સએપ 8320002000 ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહીં વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.
ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 900થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 700થી વધારે વેટરનિટી તબીબો તેમજ 7,700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગયા વર્ષે કુલ 13,008 પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.